Tapi Ukai-Kakrapar Project History: ગુજરાતની સ્થાપના પૂર્વે વર્ષ 1949 થી જેનો પાયો નાખવામાં આવ્યો હતો, તે ઉકાઈ-કાકરાપાર બહુહેતુક યોજના એટલે કે ઉકાઈ ડેમ આજે સમગ્ર દક્ષિણ ગુજરાત માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. રાજ્યની આ બીજી સૌથી મોટી યોજના માત્ર સિંચાઈ જ નહીં, પરંતુ વીજ પુરવઠા અને પીવાના પાણી માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે.
બે તબક્કામાં પૂર્ણ થઈ ઉકાઈ ડેમ યોજના
તાપી નદી પર નિર્મિત ઉકાઈ-કાકરાપાર યોજનાનું નિર્માણ બે તબક્કામાં કરવામાં આવ્યું હતું. વર્ષ 1949-1954 સુધીના પ્રથમ તબક્કામાં કાકરાપાર વીયરનું નિર્માણ થયું હતું. જ્યારે બીજા તબક્કામાં 1964માં કામ શરૂ કરી 1972માં ઉકાઈ બંધનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ જળાશયમાં સૌ પ્રથમવાર વર્ષ 1973માં પાણી ભરવામાં આવ્યું હતું.
ઉકાઈ ડેમ: જળ સંગ્રહ અને વિશાળ કાર્યક્ષેત્ર
વિસ્તાર: જળાશય અંદાજે 600 ચોરસ કિમી વિસ્તારમાં પથરાયેલું છે.
સંગ્રહ શક્તિ: કુલ સંગ્રહ શક્તિ 7,497 મિલિયન ઘન મીટર છે.
પરિઘ: પૂર્ણ જળ સપાટીએ સરોવરની પરિધની લંબાઈ 525 કિમી છે.
દક્ષિણ ગુજરાતમાં સિંચાઈ અને કૃષિ ક્રાંતિ
તાપી નદી મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાંથી નીકળી 724 કિમી વહે છે, જેમાં ગુજરાતમાં તેનો પ્રવાહ 214 કિમી છે. ઉકાઈ યોજનાને કારણે દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લા ભરૂચ, સુરત, નવસારી, તાપી અને વલસાડની ખેતીને સમૃદ્ધિ મળી છે. આ યોજના હેઠળ કુલ 3,31,557 હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો લાભ મળે છે. આ ઉપરાંત, વિવિધ ઉદ્વહન સિંચાઈ યોજનાઓ દ્વારા તાપી, સુરત અને નર્મદા જિલ્લાના 298 ગામોને પાણી પૂરું પાડવામાં આવે છે.
હરિત ઊર્જા અને ઔદ્યોગિક ટેકો
GIDC અને જે.કે. પેપર મિલ જેવા મોટા ઔદ્યોગિક એકમો તથા સુગર ફેક્ટરીઓને આ જળાશયમાંથી જળ પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ સાથે ઉકાઈ-કાકરાપાર યોજના વીજ ઉત્પાદન ક્ષેત્રે પણ મહત્વનું યોગદાન આપે છે. અહીંથી વિવિધ પ્લાન્ટ્સને પાણી પૂરું પાડવામાં આવે છે:
ઉકાઈ થર્મલ પાવર પ્લાન્ટ: 1110 મેગાવોટ
હાઈડ્રો પાવર પ્લાન્ટ: 305 મેગાવોટ
કાકરાપાર અણુ મથક: 1840 મેગાવોટ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના નેતૃત્વમાં આ યોજના પૂર નિયંત્રણ, પીવાનું પાણી અને ઔદ્યોગિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવી રહી છે. દક્ષિણ ગુજરાતના શહેરોની તરસ છિપાવવાની સાથે આ પ્રોજેક્ટ 'હરિત ઊર્જા' ઉત્પાદનનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
