Tapi: તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કટાસવાણ ગામની સીમમાં ખેત મજૂરોને લઈને જતો પિકઅપ ટેમ્પો બેકાબુ બનીને ગુલાંટ ખાઈ જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં બે મહિલાઓ સહિત ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. જ્યારે પાંચથી વધુ ઈજાગ્રસ્ત શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, વ્યારા તાલુકાના કાનપુરા ગામમાં રહેતા 10 જેટલા શ્રમિકો પિક અપ ટેમ્પામાં ખેતરમાં ડાંગર કાપવાની મજૂરી કરવા જઈ રહ્યા હતા. તેમનો ટેમ્પો કટાસવાણ ગામની સીમમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેથી બેકાબુ બનેલો ટેમ્પો રોડ પર ગોથું ખાઈ ગયો હતો.
આ સમયે ટેમ્પામાં સવાર શ્રમિકોની ચીસો સાંભળીને આસપાસના ગ્રામજનો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. જેમણે ટેમ્પા નીચે દબાયેલા શ્રમિકોને એક પછી એક બહાર કાઢ્યા હતા. આ અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત ગજરાબેન ગામીત (60), સીતાબેન ગામીત (58) અને અરવિંદભાઈ રાઠોડ (51)નું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ. જ્યારે ચાર મહિલા સહિત 5 જેટલા લોકોને નાની-મોટી ઈજા પહોંચી હતી.
બીજી તરફ આ બનાવની જાણ થતાં વ્યારા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર આવી પહોંચી હતી. જ્યાં ત્રણેય શ્રમિકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા છે, જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. હાલ તો પોલીસે ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
