વ્યારામાં ખેડૂતોનો આક્રોશ: 700 થી વધુ શેરડી ઉત્પાદકોના રુ. 10 કરોડ ફસાયા, 29 દિવસના ધરણાં બાદ ભારે આક્રોશ

તાપીના વ્યારામાં મહુવા સુગર મિલ દ્વારા 700થી વધુ ખેડૂતોના ₹10 કરોડ ચૂકવવામાં ન આવતાં આક્રોશ વ્યાપ્યો છે. 29 દિવસના ધરણાં બાદ ખેડૂતોએ ટીચકપુરા અને બાજીપુરા ઓફિસો પર તાળાંબંધી કરી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 01 Nov 2026 08:06 AM (IST)Updated: Sun, 01 Nov 2026 08:06 AM (IST)
vyara-farmers-protest-mahuva-sugar-mill-crore-pending-dues-office-lock-out

Vyara Farmers Protest: તાપી જિલ્લામાં શેરડીની ખેતી કરતાં ખેડૂતોને ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. કેમ કે, સંપૂર્ણ વર્ષ મહેનતથી શેરડી પકવી પરંતુ લાંબા સમય સુધી મહુવા સુગર મિલ દ્વારા યોગ્ય ચૂકવણી ન કરતાં વ્યારા વિસ્તારમાં ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે.

અહિંસક આંદોલન બાદ ખેડૂતોની ધીરજ ખૂટી

વ્યારા અને આસપાસના વિસ્તારોના અંદાજે 700થી વધારે ખેડૂતોના 10 કરોડથી વધારે નાણાં મહુવા સુગર મિલમાં લાંબા સમયથી અટવાઈ પડ્યા છે. પોતાની બાકી લેણાં મેળવવા માટે ખેડૂતો છેલ્લા 29 દિવસથી શાંતિપૂર્ણ રીતે ધરણાં કરી રહ્યા હતા. પરંતુ તંત્ર અને મિલ સંચાલકો તરફથી સતત કરવામાં આવી રહેલી ઉપેક્ષાને કારણે આખરે જગતના તાતની ધીરજનો અંત આવ્યો હતો.

ટીચકપુરા અને બાજીપુરા ઓફિસો પર જડાયા તાળાં

સંચાલકોના ઉદાસીન વલણ સામે આક્રોશ ફાટી નીકળતાં આંદોલનકારીઓએ ધવલભાઈ ચૌધરીની આગેવાનીમાં આક્રમક વિરોધ નોંધાવ્યો હતો. શુક્રવારે મોટી સંખ્યામાં એકઠા થયેલા ખેડૂતોના ટોળાંએ સૂત્રોચ્ચાર સાથે મહુવા સુગરની તાપી જિલ્લા સ્થિત બે મહત્વની ઓફિસોને તાળાં મારી બંધ કરાવી દીધી હતી. જેમાં વ્યારા તાલુકાના ટીચકપુરામાં આવેલી ઓફિસના મેઈન ગેટ પર તાળું મારી દેવાયું હતું. બાજીપુરા ખાતેની ઓફિસ પર પણ ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કરી તાળાંબંધી કરી હતી.

દક્ષિણ ગુજરાતના સહકારી ખાંડ ઉદ્યોગમાં ખળભળાટ

ખેડૂતો દ્વારા કરવામાં આવેલી આ અચાનક તાળાંબંધીની ઘટનાને પગલે દક્ષિણ ગુજરાતના સહકારી ખાંડ ઉદ્યોગ અને સ્થાનિક વહીવટી તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે પરસેવાની કમાણી માટે પણ અમારે ભીખ માગવી પડી રહી છે. જો આગામી દિવસોમાં બાકી રકમનું ત્વરિત નિવારણ કરવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.