સુમુલ ડેરી ચૂંટણી: 40 દિવસ બાદ પણ પ્રમુખ-ઉપપ્રમુખની વરણી અટકી, પશુપાલકોમાં રોષ

સુમુલ ડેરીની ચૂંટણીના 40 દિવસ બાદ પણ પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી અટકાતા પશુપાલકોમાં રોષ. વહેલી તકે ચૂંટણી ન યોજાય તો આંદોલનની ચીમકી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 31 Aug 2026 09:44 AM (IST)Updated: Mon, 31 Aug 2026 09:44 AM (IST)
sumul-dairy-president-election-stalled-40-days-farmers-angry

Sumul Dairy Election: તાપી અને સુરત જિલ્લાના અઢી લાખથી વધુ પશુપાલકો માટે મહત્વપૂર્ણ ગણાતી 'સુમૂલ ડેરી'ની સામાન્ય ચૂંટણીને પૂર્ણ થયાને 40 દિવસથી લાંબો સમય વીતી ગયો છે. છતાં હજુ સુધી પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી ન થતાં દક્ષિણ ગુજરાતના સહકારી રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ઉપરાંત પશુપાલકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.

પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી અટવાઈ

સત્તાધારી પક્ષના આંતરિક જૂથવાદ અને રાજકીય સમીકણોને લીધે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી ટલ્લે ચઢી જતાં પશુપાલકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. સમયમર્યાદા પૂરી થઈ હોવા છતાં ચૂંટણી અધિકારી કે તંત્ર દ્વારા કોઇ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી.

સુમૂલ ડેરીના પેટા નિયમ 36 (બ) અને ગુજરાત સહકારી મંડળી અધિનિયમની કલમ 145-Z અનુસાર બોર્ડ ઓફ ડિરેક્ટર્સની રચના બાદ 15થી 30 દિવસની સમયમર્યાદામાં ચૂંટણી યોજવી ફરજિયાત છે. પરંતુ કોઈ તારીખ જાહેર ન કરાતાં ડેરીના વહીવટ સામે સવાલો ઉભા થયા છે.

દૂધમંડળીઓ અને પશુપાલકોમાં રોષ

પશુપાલકો અને ગ્રામ્ય દૂધમંડળીઓના સભાસદો અનુસાર, રાજકીય ખેંચતાણના લીધે પશુપાલકોના હિતોનું નુકસાન થઈ રહ્યું છે. જો તંત્ર દ્વારા વહેલી તકે ચૂંટણીની તારીખ જાહેર કરવામાં નહીં આવે તો દૂધ ઉત્પાદકો રસ્તા પર ઉતરીને સુમુલ ડેરી ખાતે ઉગ્ર આંદોલન અને ઘેરાવ કરશે. તેવી ચીમકી ઉચ્ચારી છે.