Sumul Dairy Election 2026: સુરતમાં સ્થિત સુમુલ ડેરીમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે, આ સાથે જ સુમુલ ડેરીની ચૂંટણી પૂર્ણ થઈ છે. સુમુલ ડેરીના પ્રમુખ તરીકે કાંતિભાઈ ગામીતની વરણી કરવામાં આવી છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે ભરતસિંહ સોલંકીની વરણી કરવામાં આવી છે.
ગત 17 જુલાઈના રોજ જાહેર થયેલ સુમુલ ડેરીની વ્યવસ્થાપક સભ્યોની ચૂંટણી પરિણામોમાં 16 માંથી 15 બેઠક પર ભાજપે કબજો જમાવ્યો હતો. જોકે, હોદ્દેદારોની નિમણૂકમાં ભારે ખેંચતાણ થતાં 17 જુલાઈથી 25 સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં બેવખત પ્રમુખની વરણી મુલતવી રાખવી પડી હતી. અંત, આજે 25 સપ્ટેમ્બર, શુક્રવારના રોજ સુમુલ ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરી દેવામાં આવી છે.
પ્રમુખ તરીકે અગાઉ ભાજપ સરકારમાં મંત્રી રહી ચૂકેલા કાંતિભાઈ ગામીતની વરણી કરવામાં આવી છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે ભરતસિંહ સોલંકીની વરણી કરવામાં આવી છે. પ્રમુખ બનેલા કાંતિભાઈ ગામીતએ જણાવ્યું હતું કે, ડેરીનો અને પશુ પાલકોનો કેવી રીતે વિકાસ થાય તેના માટે અમારી સર્વ ટીમ અને 17 ડિરેકટરો સાથે રહીશું અને હળીમળીને કામ કરીશું અને પશુપાલકોમાં વધુને વધુ ધ્યાન આપીશું.
ઉપપ્રમુખ બનેલા ભરતભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, કેટલાક પ્રોજેક્ટ છે જેને ઘણા સમયથી રાજ્ય સરકારમાંથી પણ વિધિવત મંજૂરી મળી ગઈ છે, મહારાષ્ટ્રમાં કોલાપુર નાસિક બોમ્બેના પ્રોજેક્ટને લઈને જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરીશું, અને ત્યારબાદ પ્રોજેક્ટને કઈ રીતે પૂર્ણ કરીએ એ માટે સમગ્ર ટીમ કામ કરીશું. પશુપાલકોનું હિત જળવાઈ અને તેમણે પોષણક્ષમ ભાવ મળે તે માટે સમગ્ર ટીમનો પ્રયાસ રહેશે. અમારા કોઈ પણ કામ બાકી હશે તેને સૌ સાથે મળીને પૂર્ણ કરીશું.
