રાજકોટ-અમદાવાદ હાઈવે પર લીંબડી પાસે ટ્રાફિકજામ, 15 કિ.મી. સુધી વાહનોની કતાર જોવા મળી

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 27 Jun 2023 04:53 PM (IST)Updated: Tue, 27 Jun 2023 04:57 PM (IST)
traffic-jam-near-limbadi-on-rajkot-ahmedabad-highway

રાજકોટ-અમદાવાદ વચ્ચે છ માર્ગીય રસ્તો બનાવવાની છ વર્ષ પહેલા જાહેરાત થયા બાદ ગોકળગાય ગતિએ ચાલતા હાઈ-વેના કારણે અવારનવાર ટ્રાફીક જામના કારણે અનેક વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ વરસાદની ઋતુ ચાલી રહી છે ત્યારે ધીમી ગતિએ ચાલી રહેલા હાઈવેના કામના કારણે લીંબડી ઓવરબ્રિજ પાસે 15 કિ.મી. જેટલો લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. જેને લઇને વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો છે.

લીંબીડ ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી ઓવરબ્રીજનું કામ ચાલી રહ્યું છે. ઓવરબ્રીજનું કામ ચાલુ હોવાથી અવાર-નવાર અહીં ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે. ત્યાંથી પસાર થતાં કેટલાક વાહન ચાલકો માટે આ રોજિંદી સમસ્યા બની ગઇ છે. ત્યારે હાલ ચોમાસાની ઋતુ છે અને સૌરાષ્ટ્રભરમાં વરસાદી માહોલ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસાદ પડી રહ્યો છે. લીંબડીમાં વરસાદી માહોલ વચ્ચે ઓવરબ્રીજ નીચે બન્ને તરફ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ હતી.

બન્ને તરફ ટ્રાફિક જામની સમસ્યા સર્જાવાના કારણે હાઈવે પર 10થી 15 કિ.મી. લાંબી વાહનોની કતાર જામી હતી. ભારે ટ્રાફિકજામ સર્જાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વાહનોની લાંબી કતાર થઇ હોવાની જાણ થતાં પોલીસ કાફલો ત્યાં પહોંચ્યો હતો. પોલીસે ટ્રાફિક જામની સ્થિતિ દૂર કરવાની કામગીરી હાથ ધરી છે. જોકે વાહનોની લાંબી કતાર હોવાથી ટ્રાફિક પૂર્વવત કરવામાં સમય લાગી શકવાની સંભાવના છે. જેના પગલે વાહન ચાલકોમાં ભારે રોષ વ્યાપ્યો છે.