Tarnetar Lok Melo 2026: સૌરાષ્ટ્રની પરંપરા, આધ્યાત્મિકતા અને ભાતીગળ લોક સંસ્કૃતિને ઉજાગર કરતા વિશ્વપ્રસિદ્ધ તરણેતરના લોકમેળાનો આજે ભાદરવા સુદ કેવડા ત્રીજથી શુભારંભ થયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલા ત્રિનેત્રેશ્વર મહાદેવના પવિત્ર સાનિધ્યમાં 14 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર 2026 સુધી લોકમેળો ભક્તિભાવ અને ઉલ્લાસ સાથે યોજાશે.
ત્રિનેત્રેશ્વર મહાદેવના પૂજા-અર્ચન સાથે મેળાનો પ્રારંભ
પાંચાળની પુરાતન સંસ્કૃતિને જીવંત રાખતા આ મેળામાં લોકનૃત્ય, સંતવાણી, ગ્રામીણ ઓલિમ્પિક અને સાંસ્કૃતિક સ્પર્ધાઓનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. મેળાના પ્રથમ દિવસે એટલે કે ભાદરવા સુદ ત્રીજ (કેવડા ત્રીજ), 14 સપ્ટેમ્બરના રોજ સવારે 9:30 કલાકે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવનું કેવડાથી પૂજન, અર્ચન અને જલાભિષેક કરવામાં આવશે.
ત્યારબાદ સવારે 10:30 કલાકે દીપ પ્રાગટ્ય કરીને પશુ મેળો અને પ્રદર્શન, માહિતી પ્રદર્શન, ગ્રામ્ય રમતોત્સવ તથા પારંપરિક ગ્રામીણ સ્પર્ધાઓનું સત્તાવાર ઉદ્ઘાટન થશે. રાત્રે 9:30 કલાકે મેળાના મુખ્ય સ્ટેજ પર તરણેતર ગ્રામ પંચાયત દ્વારા વિવિધ રાવટીના ભક્તજનો માટે સંતવાણીનો કાર્યક્રમ યોજાશે.
પૂ. નિર્મળાબાના હસ્તે ધ્વજારોહણ અને રાત્રે લોકડાયરો
ભાદરવા સુદ ચોથ (ગણેશ ચતુર્થી), 15 સપ્ટેમ્બરના રોજ સવારે 9:30 કલાકે વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધાઓ યોજાશે. આ પાવન દિવસે પાળિયાદની પૂ. વિસામણ બાપુની જગ્યાના મહંત મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવશે. આ ઉપરાંત રાત્રે 9:00 કલાકે સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરી દ્વારા ગુજરાતના સુપ્રસિદ્ધ લોકકલાકારોનો ભવ્ય લોકડાયરો યોજાશે.
ગંગાજી અવતરણ આરતી, રાસ-હૂડા, ગ્રામીણ ઓલિમ્પિક
ભાદરવા સુદ પાંચમ (ઋષિ પંચમી), 16 સપ્ટેમ્બરના રોજ સવારે 6:30 કલાકે મંદિરના કુંડમાં ગંગાજી અવતરણ આરતી અને પૂજન થશે. સવારે 8:30 કલાકે લખતર સ્ટેટના યશપાલસિંહ દિવ્યરાજસિંહજી ઝાલાના હસ્તે ધ્વજારોહણ કરાશે. આ દિવસે મેળામાં રસ્સા ખેંચ અને કુસ્તી જેવી ગ્રામીણ ઓલિમ્પિક સ્પર્ધાઓ યોજાશે.
મંદિર પરિસરમાં પરંપરાગત રાસ તથા હૂડાની રમઝટ બોલશે. મુખ્ય સ્ટેજ પર રાસ-ગરબા, દોહા, છત્રી હરીફાઈ, વેશભૂષા અને પાવા હરીફાઈ યોજાશે તથા વિજેતાઓને ઈનામ વિતરણ કરાશે. રાત્રે 9:30 કલાકે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને તરણેતર ગ્રામ પંચાયત દ્વારા ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.
ગંગા વિદાય આરતી અને ધ્વજારોહણ સાથે પૂર્ણાહુતિ
ભાદરવા સુદ છઠ્ઠ, 17 સપ્ટેમ્બરના રોજ સવારે 7:00 કલાકે ગંગા વિદાય આરતી યોજાશે. ત્યારબાદ બપોરે 12:00 કલાકે જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા પોલીસ દ્વારા ધ્વજારોહણ થયા બાદ તરણેતર લોકમેળા-2026 ની સત્તાવાર પૂર્ણાહુતિ થશે. આ ચાર દિવસીય ભાતીગળ લોકમેળામાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, સાંસદ ચંદુભાઈ શિહોરા, જિલ્લા પંચાયત પ્રમુખ તથા ધારાસભ્યો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
