Surendranagar News: સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રા વચ્ચે અપડાઉન કરી રહેલા મુસાફરો માટે રેલવે વિભાગ દ્વારા ખાસ સુવિધા શરૂ કરવામાં આવી રહી છે. આગામી 12 મે 2026થી સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રા વચ્ચે કાયમી ધોરણે વન-વે ડેમુ ટ્રેન દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ટ્રેન સુરેન્દ્રનગરથી સવારે 5 વાગ્યે ઉપડશે અને સવારે 6 વાગ્યે ધ્રાંગધ્રા પહોંચશે. માત્ર 10 રૂપિયાના ભાડામાં આ બન્ને શહેરો વચ્ચે મુસાફરીનો લાભ મળશે.
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને 12 મે 2026 થી ટ્રેન નંબર 79457 સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા વન-વે ડેમુ ટ્રેનને કાયમી ધોરણે કાર્યરત કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાએ જણાવ્યું કે ટ્રેન નંબર 79457 સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા ડેમુ (વન-વે) 12 મે 2026 થી તેના નિર્ધારિત માર્ગ પર કાયમી ધોરણે દોડશે.
આ ટ્રેન સુરેન્દ્રનગર સ્ટેશનથી દરરોજ સવારે 05:00 કલાકે પ્રસ્થાન કરશે અને સવારે 06:00 કલાકે ધ્રાંગધ્રા પહોંચશે. આ વ્યવસ્થા હાલની ટ્રેન નંબર 09259 ની કાર્યપ્રણાલીને કાયમી સ્વરૂપ આપે છે. રેલવે પ્રશાસન દ્વારા આ ડેમુ ટ્રેન માટે સુરેન્દ્રનગર થી ધ્રાંગધ્રા સુધીનું ભાડું 10 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે.
સુનિલ કુમાર મીનાએ જણાવ્યું કે આ ટ્રેનના કાયમી સંચાલનથી આ વિસ્તારના મુસાફરોને સરળ, સસ્તી અને સુવિધાજનક રેલ મુસાફરીનો લાભ મળશે. આ સેવા વિસ્તારના શ્રમિકો અને દૈનિક મુસાફરો માટે આર્થિક પરિવહન સુનિશ્ચિત કરવાના હેતુથી અમલી કરવામાં આવી છે. મુસાફરો ટ્રેનના સ્ટોપેજ, સંરચના અને સમય અંગેની અધિકૃત માહિતી મેળવવા માટે ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર અવલોકન કરી શકે છે. ટ્રેન સંબંધિત તમામ ટેકનિકલ વિગતો અને સંભવિત ફેરફારો આ પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
