2012ના થાનગઢ ફાયરિંગમાં પુત્ર ગુમાવનાર પિતાનો ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત, દીકરીના એક સવાલથી હચમચી ગયેલા

રક્ષાબંધન પર પિતાએ દીકરી જ્યોતિને ઘરે આવવા કહ્યું. ત્યારે દીકરીએ પૂછ્યું, મારો ભાઈ નથી, કોને હું રાખડી બાંધું?

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 31 Aug 2026 09:29 AM (IST)Updated: Mon, 31 Aug 2026 09:29 AM (IST)
surendranagar-thangadh-firing-case-victim-father-amarshi-sumra-suicide
amarshi sumra suicide

Surendranagar Suicide News: સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં વર્ષ 2012માં થયેલા ચકચારી પોલીસ ફાયરિંગની ઘટનાના 14 વર્ષ બાદ પણ પીડિત પરિવાર ન્યાય માટે ઝઝૂમી રહ્યો છે. અસહ્ય વેદના વચ્ચે રક્ષાબંધનના પવિત્ર તહેવારે 16 વર્ષીય પુત્ર પંકજ સુમરાને ગુમાવનાર પિતા અમરશી સુમરાએ થાનગઢ-લાખમાંચી વચ્ચે રેલવે ટ્રેન નીચે પડતું મૂકીને 28 ઓગસ્ટે આત્મહત્યા કરી લીધી છે.

દીકરીના સવાલે પિતાનું કાળજું કોરી ખાધું

રક્ષાબંધનના પવિત્ર તહેવાર નજીક આવી રહ્યો હોવાથી મૃતક અમરશીભાઈએ પોતાની દીકરી જ્યોતિને ફોન કરીને ઘરે આવવા માટે કહ્યું હતું. પિતાએ દીકરીને પૂછ્યું, "બેન, તું ક્યારે આવીશ?" ત્યારે દીકરી જ્યોતિએ રડતાં રડતાં અત્યંત ભાવુક સવાલ કર્યો કે, "પપ્પા, હું આવીને શું કરું? મારો ભાઈ નથી, કોને હું રાખડી બાંધું?"

રક્ષાબંધનનો તહેવાર આવતા જ મૃતક ભાઈની યાદમાં દીકરીઓ અત્યંત દુઃખી થતી હતી. દીકરીના આ એક જ સવાલે 14 વર્ષથી ન્યાય મેળવવા માટે રાત-દિવસ મથી રહેલા પિતાના કાળજાને કોરી ખાધું હતું અને અંતે તેમણે પોતાના મૃતક દીકરાના સ્મારક પાસે જઈને આ આત્મઘાતી પગલું ભરી લીધું હતું.

આ ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી અને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. અમરશીભાઈના આપઘાત બાદ તેમની દીકરી જ્યોતિએ સરકારને આક્રંદ સાથે વિનંતી કરી છે કે તેમને જલ્દીથી જલ્દી ન્યાય મળે, કારણ કે હવે તેમના પિતા પણ નથી રહ્યા અને તેમની માતા બિલકુલ એકલી પડી ગઈ છે.

દાદીએ અન્નજળનો ત્યાગ કરી દેહ છોડ્યો

પંકજ સુમરા તેમના પરિવારનો સાત ખોટનો એકનો એક દીકરો હતો. પંકજની માતા બાલુબેન સુમરાએ જણાવ્યું કે, તેમના પતિ તો પુત્ર પંકજના ટેન્શનમાં તેની પાછળ આપઘાત કરી ગુજરી ગયા છે, પરંતુ આ અગાઉ પંકજના દાદી ધૂળીબેન પણ પૌત્રના વિયોગમાં જ મૃત્યુ પામ્યા હતા. વર્ષ 2012માં પોલીસ ફાયરિંગમાં નિર્દોષ પૌત્ર પંકજના મૃત્યુ બાદ દાદી આઘાતમાં હતા.

દાદી હંમેશા પંકજનો પાસપોર્ટ સાઈઝનો એક ફોટો પોતાની છાતીએ લગાડીને રાખતા હતા. પાડોશીઓ તેમને જમવા માટે આગ્રહ કરતા પણ તેમણે અન્ન અને પાણીનો સંપૂર્ણ ત્યાગ કરી દીધો હતો. માંદગીના બિછાને હોવા છતાં તેઓ પૌત્રનો ફોટો કાઢીને રડતા હતા. અંતે તેમણે પૌત્રના આઘાતમાં જ પોતાનો દેહ છોડી દીધો હતો. તેમના અવસાન બાદ પણ તેમના પોકેટમાંથી પૌત્ર પંકજનો ફોટો મળી આવ્યો હતો.

શું હતી 2012ની થાનગઢ ફાયરિંગની ઘટના?

સપ્ટેમ્બર 2012 દરમિયાન સુરેન્દ્રનગરના પ્રખ્યાત તરણેતરના મેળા દરમિયાન દલિતો અને ભરવાડ સમાજ વચ્ચે કોઈ બાબતે ઘર્ષણ થયું હતું. આ સંઘર્ષ બાદ પોલીસે કરેલા ફાયરિંગમાં મેહુલ રાઠોડ, પંકજ સુમરા અને પ્રકાશ પરમાર નામના ત્રણ દલિત યુવાનોના કરુણ મોત નીપજ્યા હતા. આ ઘટના બાદ ભારે રોષ ફેલાયો હતો અને ઘટનાના બીજા દિવસે અનેક લોકોએ ગાંધીનગર ખાતે ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું.