Surarendrangar Rain: હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર અષાઢ મહિનાની શરૂઆતથી જ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ખાસ કરીને છેલ્લા પાંચેક દિવસથી ગુજરાતમાં પડેલી રહેલા સાર્વત્રિક વરસાદના પગલે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. આજે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.
થાનગઢમાં આભ ફાટ્યુંઃ બજાણા પુલ પાણીમાં ગરક, લીલાપુર ગામનો સંપર્ક તૂટ્યો
આઝે સવારે 6 થી રાતે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 260થી વધુ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી પાટણ જિલ્લાના સાંતલપુરમાં સૌથી વધુ 334 મી.મી. (13.55 ઈંચ) અને રાધનપુરમાં 238 મિ.મી (9.37 ઈંચ) વરસાદ ખાબક્યો છે.
જો સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો, 7 ઈંચથી વધુ વરસાદ થાનગઢ તાલુકામાં નોંધાયો છે. અહીં માત્ર 14 કલાકમાં કુલ 178 મી.મી (7.01 ઈંચ) વરસાદ ખાબકતા ચારેતરફ પાણી પાણી જોવા મળી રહ્યું છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને સ્થાનિક નદી-નાળામાં નવા પાણીની આવક થઈ છે.
આ ઉપરાંત દસાડા અને ચોટીલામાં 2.4 ઈંચ વરસાદ થાનગઢ ઉપરાંત જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ મેઘમહેર જોવા મળી છે. દસાડા અને ચોટીલા તાલુકામાં સમાન રીતે 61 મી.મી (2.4 inch) વરસાદ નોંધાયો છે. આ વરસાદથી પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. મૂળી તાલુકામાં પણ મેઘરાજાએ હાજરી પુરાવી છે અને ત્યાં 39 મી.મી (1.54 inch) વરસાદ નોંધાયો છે.
- બજાણા પુલ પાણીમાં ગરકઃ માલવણ-બેચરાજી હાઈવે પર આવેલ બજાણા પુલ પાણીમાં ગરક થઈ જતાં વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
- વાંસલ ડેમ ઓવરફ્લોઃ ભારે વરસાદના કારણે વાંસલ ડેમની જળસપાટી વધતાં નજીકના ચુડા, ગોખરવાળા સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ગ્રામજનોને નદીના પટથી દૂર રહેલા તેમજ ઘરવખરીને સલામત સ્થળે ખસેડવાની સૂચના અપાઈ છે.
- ખારાઘોડા નજીક મુસાફરોથી ભરેલી કાર તણાઈઃ ગઈકાલે મોડી રાતે પાટડી-ખારાઘોડા માર્ગ ઉપર પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચેથી પસાર થતી કાર તણાઈ ગઈ હતી. આ બાબતની જાણ થતાં પાટડી પોલીસ અને નગર પાલિકાનો સ્ટાફ તેમજ સ્થાનિક તરવૈયાઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. જેમણે ભારે જહેમત બાદ ચારેય લોકોને બહાર કાઢતા તેમનો જીવ બચી જવા પામ્યો છે.
જિલ્લાના અન્ય તાલુકાઓની સ્થિતિ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ ધીમી ધારે અને મધ્યમ વરસાદ ચાલુ રહ્યો છે. જેની વિગત નીચે મુજબ છે:
સાયલા: 32 મી.મી (1.26 inch)
ધ્રાંગધ્રા: 28 મી.મી (1.1 inch)
લખતર: 26 મી.મી (1.02 inch)
ચુડા: 22 મી.મી (0.87 inch)
લીંબડી: 20 મી.મી (0.79 inch)
વઢવાણ: 16 મી.મી (0.63 inch)
