Surendranagar News: સ્ટેટ મોનીટરિંગ સેલ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા હતા. એસએમસીની ટીમ દ્વારા વડોદરા એસીબીમાં પીઆઇના બે ભાઈ તેમજ પાંચ મહિલા સહિત 30 લોકોની ધરપકડ કરી છે. બનાવ સ્થળેથી 4 લાખની રોકડ રકમ સહિત 6.58 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરેન્દ્રનગરના પાટડીમાં વેલનાથ નગરમાં રહેતા વડોદરા એસીબીમાં ફરજ બજાવતા પીઆઈના બે ભાઈ ઘરમાં જુગારધામ ચલાવતા હોવાની બાતમીના આધારે એસએમસીના ડીઆઈજી નિર્લીપ્ત રાયની સુચનાથી ડીવાયએસપી કે.ટી. કામરિયા અને તેમની ટીમે દરોડો પાડ્યો હતો. આ જુગારક્લબ ચલાવતા પીઆઈના બે ભાઈ કિરણ ઉર્ફે અલ્પેશ પ્રહલાદ ઠાકોર તેના ભાઈ મુકેશ પ્રહલાદભાઈ ઠાકોર (તરેટિયા) સાથે જુગાર ક્લબમાં મદદ કરનાર આરોપીઓની ધરપકડ કરી હતી.
દરોડામાં રૂા. 4.58 લાખની રોકડ તેમજ 3 વાહનો 26 મોબાઈલ મળી રૂાી. 6.58 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વડોદરા એસીબીમાં ફરજ બજાવતા પીઆઈના બન્ને ભાઈઓ છેલ્લા 2 મહિનાથી જુગાર ક્લબ ચલાવતા હતા આ મામલે હવે પાટડી સ્થાનિક પોલીસ સામે પગલા ભરવામાં આવશે તેમ ચર્ચાઈ રહ્યું છે.
ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે પાટડીના એક ઘરમાં મોટા પાયે જુગારધામ ચાલી રહ્યું છે. બાતમીના આધારે એસએમસીની ટીમે દરોડા પાડ્યા હતા. એસીબીના પીઆઈના ભાઇ કિરણ ઠાકોરના ઘરે જુગારનો અડ્ડો ધમધમતો હોવાનું સામે આવ્યુ છે.
રાત્રે 12 વાગ્યાના આસપાસ એસએમસીની ટીમ દ્વારા જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા હતા. પાટડીના વેલનાથનગરમાં જુગારનો અડ્ડો ચાલતો હતો. પોલીસે દરોડા પાડ્યા એ સમયે મહિલાઓએ દરવાજા બંધ કરી દીધા હતા. પોલીસે કાર, મોબાઈલ, બાઈક, રોકડ સહિત અંદાજીત 6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
