Gujarat Rain: સુરેન્દ્રનગરમાં મેઘરાજાની પધરામણી, સાયલામાં 2 કલાકમાં બે ઈંચથી વધુ ધોધમાર વરસાદ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 14 Aug 2024 06:32 PM (IST)Updated: Wed, 14 Aug 2024 06:32 PM (IST)
surendranagar-news-more-than-2-inches-rain-in-2-hours-at-sayla-on-14th-august

Gujarat Rain: અષાઢ મહિનામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને બરાબરના ઘમરોળ્યા બાદ શ્રાવણ મહિનામાં મેઘરાજાએ એકંદરે વિરામ લીધો હોય તેમ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના છૂટાછવાયા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસી રહ્યા છે. જો કે ગઈકાલથી સૌરાષ્ટ્રમાં ધીમે-ધીમે વરસાદનું જોર વધવા લાગ્યું છે અને વિવિધ ભાગોમાં નોંધપાત્ર વરસાદ વરસી રહ્યો છે. આજે પણ સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 76 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, સાંજે 4 થી 6 વાગ્યા સુધીના બે કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના 11 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી 2 ઈંચ કરતાં વધારે વરસાદ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં નોંધાયો છે. જ્યારે તાપી જિલ્લાના સોનગઢમાં 12 મિમી વરસાદ વરસ્યો છે.

જો આખા દિવસ દરમિયાન ખાબકેલા વરસાદની વિગતો જોઈએ તો, સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં 56 મિ.મી., તાપીના સોનગઢમાં 26 મિ.મી., ગીર સોમનાથના તાલાલામાં 20 મિ.મી વરસાદ પડ્યો છે. જ્યારે અમરેલી, બગસરામાં 17-17 મિ.મી., રાજકોટના ધોરાજીમાં 15 મિ.મી., સુરતના પલસાણામાં 14 મિ.મી., દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 13 મિ.મી અને ભાવનગરના તળાજામાં 10 મિ.મી વરસાદ નોંધાયો છે.