Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ખાતે આવેલી કેજીબી વિદ્યાલયમાં ફૂડ પોઇઝનિંગની (KGBV Food Poisoning) આશંકાને પગલે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શાળામાં બપોરનું ભોજન લીધા બાદ અચાનક 50થી વધુ વિદ્યાર્થીનીઓની તબિયત લથડવા લાગી હતી.
પ્રાથમિક અનુમાન મુજબ, શાળામાં આપવામાં આવેલા ભોજનના કારણે જ આ અસર થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. બીજી તરફ આ ઘટનાની જાણ થતાં જ શાળા પ્રશાસન દ્વારા અસરગ્રસ્ત વિદ્યાર્થીનીઓને તાત્કાલિક ચુડા હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી.
હોસ્પિટલમાં હાજર તબીબો અને સમગ્ર આરોગ્ય સ્ટાફે યુદ્ધના ધોરણે તમામ વિદ્યાર્થીનીઓની ઝડપી સારવાર શરૂ કરી હતી. ડોક્ટરોની ટીમ દ્વારા વિદ્યાર્થીનીઓની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
આ ગંભીર ઘટનાના પગલે વિદ્યાર્થીનીઓના વાલીઓ, શાળા સંચાલન અને સ્થાનિકોમાં ભારે ચિંતા ફેલાઈ ગઈ હતી. આ બાબતની જાણ થતા જ મોટી સંખ્યામાં વાલીઓ ચુડા હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. પોતાની બાળકીઓની હાલત જોઈને વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
સમગ્ર ઘટનાને લઈને વાલીઓએ જવાબદાર તંત્ર દ્વારા નિષ્પક્ષ તપાસ કરી, કસૂરવારો સામે કડક અને યોગ્ય કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ ઉઠાવી છે. આ ઘટનાને પગલે વહીવટી તંત્ર દ્વારા શાળામાં અપાયેલા ભોજનના નમૂનાઓની (ફૂડ સેમ્પલ) તપાસ સહિત જરૂરી કાનૂની કાર્યવાહી હાથ ધરાય તેવી પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
