Surendranagar: ખેડૂત નેતા રાજુ કરપડા મૂળી-2 બેઠક પરથી ચૂંટણી મેદાને, ભાજપમાં જોડાયાના ગણતરીના કલાકોમાં મોટી જવાબદારી મળી

ગઈકાલે જ રાજુ કરપડા પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ ગયા હતા, જેના 24 કલાકમાં જ તેમને ટિકિટ ફાળવી દેવાઈ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 10 Apr 2026 06:06 PM (IST)Updated: Fri, 10 Apr 2026 06:06 PM (IST)
surendranagar-news-bjp-gives-ticket-to-raju-karpada-from-muli-2-seat
HIGHLIGHTS
  • અગાઉ ભાજપે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા હતા

Surendranagar: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે રાજકીય પક્ષોમાં જોરદાર ઉથલપાથલ જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપે પોતાની પકડ મજબૂત કરવા માટે રણનીતિ તેજ કરી છે. લાંબા મનોમંથન અને બેઠકોના દોર બાદ ભાજપે ગઈકાલથી ઉમેદવારોની યાદી જાહેર કરવાની શરૂઆત કરી છે, જેમાં સૌથી મોટું આશ્ચર્ય ખેડૂત નેતા રાજુ કરપડાના નામ સાથે જોવા મળ્યું છે.

કેસરિયો ધારણ કરતા જ લોટરી લાગી

ગઈકાલે જ ભાજપમાં સામેલ થયેલા યુવા ખેડૂત નેતા રાજુ કરપડા પર પક્ષે મોટો ભરોસો મૂક્યો છે. ભાજપ દ્વારા તેમને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મૂળી-2 બેઠક પરથી સત્તાવાર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે જ ભાજપે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા હતા, જે બાદ આજે જિલ્લા પંચાયતની બેઠક માટે કરપડાના નામ પર મહોર મારવામાં આવી છે.

કોણ છે રાજુ કરપડા?
રાજુ કરપડા સૌરાષ્ટ્રના જાણીતા યુવા ખેડૂત નેતા છે. અગાઉ તેઓ આમ આદમી પાર્ટી (AAP) સાથે જોડાયેલા હતા. બોટાદમાં ‘કડદા પ્રથા’ વિરુદ્ધ આંદોલન છેડીને તેઓ ચર્ચામાં આવ્યા હતા. આ આંદોલન દરમિયાન તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. જોકે, જેલમુક્ત થયા બાદ તેમણે 'આપ' સાથે છેડો ફાડી નાખ્યો હતો અને ગત રોજ વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા.