Surendranagar: ખનીજ માફિયાઓ બેફામ; થાનગઢમાં નાયબ મામલતદાર પર હુમલો, સામે પક્ષે તંત્રએ ‘વ્રજ ફાર્મ’ પર બુલડોઝર ફેરવ્યું

થાનગઢ અને ચોટીલા પંથકમાં ગેરકાયદેસર ખનીજ ખનન કરતા માફિયાઓએ માઝા મૂકી છે. થાનગઢમાં રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન નાયબ મામલતદારની ટીમ પર જીવલેણ હુમલો કરી સરકારી ગાડીમાં તોડફોડ કરી હતી.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 17 Dec 2025 02:55 AM (IST)Updated: Wed, 17 Dec 2025 02:55 AM (IST)
surendranagar-mineral-mafia-rampant-attack-on-deputy-mamlatdar-in-thangadh-on-the-other-hand-the-administration-bulldozed-vraj-farm

Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ અને ચોટીલા પંથકમાં ગેરકાયદેસર ખનીજ ખનન કરતા માફિયાઓએ માઝા મૂકી છે. થાનગઢમાં રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન નાયબ મામલતદારની ટીમ પર જીવલેણ હુમલો કરી સરકારી ગાડીમાં તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટનાના પડઘા પડતા જ વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે અને ચોટીલામાં ખનીજ માફિયાના ગેરકાયદેસર ફાર્મ હાઉસને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે.

થાનગઢ: ફરજ પરના અધિકારીઓ પર હુમલો અને ધમકી
થાનગઢના ભડુલા વિસ્તારમાં ખનીજ ચોરીની બૂમ ઉઠતા નાયબ મામલતદાર તરુણભાઈ દવે તેમની ટીમ સાથે તપાસમાં નીકળ્યા હતા. આ દરમિયાન માફિયાઓએ કાયદાનો ડર રાખ્યા વગર હુમલો કર્યો હતો.પેટ્રોલિંગ દરમિયાન ભરત રમેશભાઈ અલગોતર નામના શખ્સે સરકારી ગાડી અટકાવી ડ્રાઈવરને ગાળો ભાંડી લાફા ઝીંકી દીધા હતા.

ટીમ જ્યારે રૂપાવટી રોડ પર પહોંચી ત્યારે ભરત અલગોતર, જયપાલ અલગોતર અને રવિ પરમાર સહિતના ટોળાએ ધોકા વડે સરકારી ગાડીના પાછળના ભાગે હુમલો કરી નુકસાન પહોંચાડ્યું હતું.

જાનથી મારી નાખવાની ધમકી
માફિયાઓએ નાયબ મામલતદાર અને તેમની ટીમને ગંભીર પરિણામો ભોગવવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કરી હતી. આ મામલે થાનગઢ પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ચોટીલા: વહીવટી તંત્રનો વળતો પ્રહાર, ગેરકાયદે બાંધકામ જમીનદોસ્ત
એક તરફ હુમલાની ઘટનાથી રોષ ફેલાયો હતો, ત્યારે બીજી તરફ ચોટીલા વહીવટી તંત્રએ ખનીજ માફિયાઓની કમર તોડવા ઓપરેશન હાથ ધર્યું હતું. ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાની સીધી દેખરેખ હેઠળ ખનીજ ચોરી સાથે સંકળાયેલા તત્વો દ્વારા સરકારી જમીન કે નિયમ વિરુદ્ધ બનાવાયેલા ‘વ્રજ ફાર્મ’ પર બુલડોઝર ફેરવી દેવાયું હતું.

તંત્રએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે માફિયાઓના આ ગેરકાયદે આશરા સમાન ફાર્મ હાઉસને તોડી પાડીને સંદેશ આપ્યો છે કે સરકારી અધિકારીઓ પર હુમલો કે ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવી લેવામાં આવશે નહીં અને આવા લોકો વિરૂદ્ધ કડક કાર્યવાહી થશે.

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા લાંબા સમયથી કાર્બોસેલ અને પથ્થરની ગેરકાયદેસર ખાણો ધમધમી રહી છે. થાનગઢમાં થયેલા હુમલા બાદ પોલીસ અને મહેસૂલ વિભાગે સંયુક્ત રીતે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. તંત્રની આ આક્રમક કાર્યવાહીથી ખનીજ ચોરી કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.