Surendranagar Lemon Prices: સુરેન્દ્રનગરમાં દૂધ, પેટ્રોલ અને ગેસ બાદ હવે લીંબુના ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. ઈતિહાસમાં પ્રથમ વખત લીંબુના ભાવ રેકોર્ડબ્રેક રૂ. 400 પ્રતિ કિલો સુધી પહોંચી જતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. મળતી વિગત અનુસાર અન્ય રાજ્યોમાંથી આવતો લીંબુનો જથ્થો અટકી જતા ભાવમાં વધારો નોંધાયો છે.
લીંબુના ભાવ આસમાને, ભાવ વધારાનું કારણ શું?
સુરેન્દ્રનગર જિલ્લાના શાકભાજી માર્કેટમાં લીંબુના ભાવમાં ભડકો થતાં ગૃહિણીઓ અને સામાન્ય નાગરિકો માટે લીંબુ ખરીદવા અત્યંત મુશ્કેલ બની ગયા છે. લીંબુના ભાવવધારા પાછળનું મુખ્ય કારણ આવકમાં થયેલો તીવ્ર ઘટાડો છે.
બહારથી આવતો જથ્થો અટક્યો: બહારના રાજ્યો કે મુખ્ય બજારોમાંથી આવતો લીંબુનો જથ્થો અટકી ગયો છે.
ઓછી ગુણવત્તાવાળો સીમિત જથ્થો: હાલમાં માત્ર સ્થાનિક ગ્રામીણ વાડીઓમાંથી જ સીમિત અને ઓછી ગુણવત્તાવાળો જથ્થો આવી રહ્યો છે.
ગરમીમાં શરબતના ગ્લાસના ભાવમાં ₹5 નો વધારો
ભાદરવા મહિનાના આકરા તાપ અને ગરમીથી રાહત મેળવવા માટે લોકો સામાન્ય રીતે લીંબુ શરબતનો આશ્રય લેતા હોય છે. પરંતુ લીંબુ મોંઘા થવાના કારણે શરબત વેચતા વેપારીઓએ પણ ભાવ વધારી દીધા છે. વેપારીઓએ લીંબુ શરબતના ગ્લાસનો ભાવ રૂ. 15 થી વધારીને રૂ. 20 કરી દીધો છે.
આગામી દિવસોમાં પણ ભાવ ઊંચા રહેવાની શક્યતા
વેપારીઓના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી ઉપરથી નવો સ્ટોક ન આવે ત્યાં સુધી લીંબુના ભાવ નિયંત્રણમાં આવવાની શક્યતા ઓછી છે. આ પરિસ્થિતિને કારણે આગામી દિવસોમાં પણ લીંબુના ભાવ ઊંચા જ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેનાથી મોંઘવારીના આ સમયમાં લોકોને વધુ એક આર્થિક માર સહન કરવો પડશે.
