Surendranagar: જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીની કાર ધ્રાંગધ્રા પાસે નદીમાં ખાબકી, સ્થાનિકોએ કાચ તોડી જીવ બચાવ્યો

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા નજીક જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીની કાર નદીમાં ખાબકી. સ્થાનિકોએ કાચ તોડી હકાભા ગઢવી અને ડ્રાઈવરનો આબાદ બચાવ કર્યો. હાલ બંને સુરક્ષિત છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 27 Jul 2026 11:17 AM (IST)Updated: Mon, 27 Jul 2026 11:17 AM (IST)
surendranagar-hakabha-gadhvi-car-falls-into-river-near-dhrangadhra-locals-save-him

Hakabha Gadhvi Car Accident: ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર અને હાસ્ય કલાકાર હકાભા ગઢવીની કારને સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના બૈસાબગઢ નજીક ગંભીર અકસ્માત નડ્યો છે. હળવદ તરફ જતી વખતે તેમની કાર નદીમાં ખાબકી હતી. જોકે, સ્થાનિક લોકોની સમયસૂચકતા અને તાત્કાલિક બચાવ કામગીરીને કારણે હકાભા ગઢવી અને તેમના ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે.

હાસ્ય કલાકાર હકાભા ગઢવીની કાર નદીમાં ખાબકી

પ્રાપ્ત વિગતો અનુસાર, હકાભા ગઢવી તેમના ડ્રાઈવર સાથે કારમાં હળવદ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન બૈસાબગઢ પાસે ડ્રાઈવરે કોઈ કારણસર સ્ટેયરિંગ પરથી કાબુ ગૂમાવતા કાર નદીની પાળી તોડીને સીધી નદીના પાણીમાં ખાબકી હતી. કારમાં ઝડપથી પાણી ભરાવા લાગ્યું હતું, પરંતુ સદનસીબે હકાભા ગઢવી કારની પાછળની સીટ પર બેઠા હોવાથી કોઈ ગંભીર જાનહાનિ ટળી હતી.

 naidunia_image

સ્થાનિકોએ હકાભા ગઢવીને કારમાંથી બહાર કાઢ્યા

બનાવની જાણ થતાં જ આસપાસના સ્થાનિકો અને યુવકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કારમાં પાણી ભરાઈ જવાના કારણે દરવાજા લોક થઈ ગયા હતા અને અંદરથી ખોલી શકાતા ન હતા. ત્યારે જીવના જોખમે યુવકોએ મહામહેનતે ગાડીના કાચ તોડીને હકાભા ગઢવીને બારીમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. નદીના પ્રવાહમાંથી તેમને ટીંગાટોળી કરીને કિનારે લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને પગના ભાગે સામાન્ય ઈજાઓ હોવાથી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

naidunia_image

રાજ્યભરના ચાહકો ચિંતામાં મૂકાયા

અકસ્માતના સમાચાર વાયુવેગે પ્રસરતા રાજ્યભરના અન્ય કલાકારો અને ચાહકો ચિંતિત બન્યા હતા અને તેમના ખબર-અંતર પૂછવા લાગ્યા હતા. આ ઘટના બાદ હકાભા ગઢવીએ ટેલિફોનિક વાતચીતમાં રાહતના સમાચાર આપતા જણાવ્યું હતું કે, "હું સંપૂર્ણપણે સ્વસ્થ છું, કોઈ પણ પ્રકારની ગંભીર ઈજાઓ પહોંચી નથી. માત્ર મૂઢમાર જેવી સામાન્ય ઇજાઓ જ છે. હું હાલના તબક્કામાં સ્થાનિક લોકોનો આભાર માનું છું કે તેમના દ્વારા નદીના પ્રવાહમાંથી ગાડીના કાચ તોડી મને બચાવી લેવામાં આવ્યો."