Surendranagar Accident: દસાડા તાલુકાના વડગામ પાસે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. વડગામ અને પાનવા ગામ વચ્ચે હાઇવે પર રોડની સાઇડમાં ઊભેલ એક ટ્રક પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલી ઇકો કાર ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ ગંભીર અકસ્માતમાં કારમાં સવાર બે લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં.
ઘટનામાં 3 લોકોના મોત થયા
આ અકસ્માત બાદ સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માત સર્જાયા પછી ટ્રકનો ક્લીનર ડરના માર્યે નજીકના ખેતરમાં ભાગવા ગયો હતો. કમનસીબે, ખેતરમાં રક્ષણ માટે લગાવેલ વીજળીના ઝટકા મશીન (ફેન્સિંગ)ના સંપર્કમાં આવવાથી તેને શોર્ટસર્કિટ કે કરંટ લાગ્યો હતો, જેના કારણે ટ્રક ક્લીનરનું પણ ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આમ, આ ગોઝારી ઘટનામાં કુલ ત્રણ વ્યક્તિઓનાં મોત થતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
અકસ્માતથી ટ્રાફિક જામ સર્જાયો
આ ભયાનક અકસ્માતને કારણે હાઇવે પર બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જેનાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
દસાડા પોલીસનો કાફલો ઘટના સ્થળે
ઘટનાની જાણ થતાં જ દસાડા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ભારે જહેમત બાદ હાઇવે પરનો ટ્રાફિક ક્લિયર કરાવી વાહનવ્યવહાર પૂર્વવત કર્યો હતો. પોલીસે ત્રણેય મૃતદેહોને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે દસાડાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. હાલ દસાડા પોલીસે આ માەલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
