સુરેન્દ્રનગરમાં દિવાળી પૂર્વે જ હત્યાની સનસનાટી: જૂના મનદુ:ખમાં યુવકની હત્યા, પરિવારે મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર

સુરેન્દ્રનગરના મફતિયાપરામાં દિવાળી પૂર્વે પ્રેમ સંબંધના જૂના મનદુઃખમાં યુવકની ઘાતકી હત્યા. સમાધાનના બહાને બોલાવી છરીના ઘા ઝીંકાયા, પરિવારે મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર. પોલીસ તપાસ શરૂ.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Tue, 03 Nov 2026 03:56 PM (IST)Updated: Tue, 03 Nov 2026 03:56 PM (IST)
surendranagar-crime-mafatiyapara-youth-murder-old-dispute

Surendranagar Crime News: સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી હોય તેમ જણાઈ રહ્યું છે. દિવાળી પૂર્વે જ સુરેન્દ્રનગરના મફતિયાપરા વિસ્તારમાં એક યુવકની જૂના મનદુ:ખને લઈને ઘાતકી હત્યા કરી દેવાતાં સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે. જ્યારે બીજી બાજુ પરિવારજનોએ મૃતદેહને સ્વીકારવાનો ઇન્કાર કરતાં ન્યાયની માંગણી કરી છે.

મળતી વિગત પ્રમાણે, શહેરના મફતિયાપરા વિસ્તારમાં બે કુંટુંબો વચ્ચે છોકરા અને છોકરીને પ્રેમ સંબંધ હોવાથી ભાગી ગયા હતા. જેથી બંને પરિવારો વચ્ચે તકરાર અને અણબનાવ ચાલી રહ્યો હતો. આ જૂના ઝઘડાને ભૂલીને બંને પરિવારો વચ્ચે સમાધાન થવાનું હતું. પરંતુ બંને પક્ષે કોઇ મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ હતી. આ દરમિયાન સામા પક્ષના પાંચ જેટલા શખ્સોએ ભોગ બનનારા યુવક પર હિચકારો હુમલો કરીને છરીના ઘા ઝીંકી દીધા હતા.

હુમલામાં યુવકના પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનામાં યુવકના પગથી વધારે પડતું લોહી વહી ગયું હતું. જોકે, યુવકને સમયસર સારવાર મળે તે પહેલાં જ યુવકે ઘટનાસ્થળે દમ તોડી દીધો હતો. જ્યારે સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થઈ તો પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે યુવકનો મૃતદેહ કબ્જે કરીને ગાંધી હોસ્પિટલ ખાસે પીએમ માટે ખસેડ્યો હતો. જ્યારે આ કેસમાં પાંચ આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસની જાણકારી પ્રમાણે, હત્યામાં શામેલ ત્રણેય આરોપીઓ સામે ચોરી સહિતના ગુનાઓ નોંધાયેલા છે. તેમજ તેઓ હાલ જામીન પર બહાર હતા. સમાધાનના બહાને યુવકને બોલાવીને યુવકની હત્યા કરી દેવાઈ છે. હાલ સમગ્ર મામલે પોલીસ કાર્યવાહી કરી રહી છે.