Surendranagar NA Scam: સુરેન્દ્રનગર જિલ્લાના બહુચર્ચિત NA કૌભાંડ અને મનિ લોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ સસ્પેન્ડેડ પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને સુપ્રિમ કોર્ટ તરફથી મોટો આંચકો લાગ્યો છે. ગુજરાત હાઈકોર્ટે જામીન અરજી નામંજૂર કર્યા પછી તેઓએ ઘૂંટણની સર્જરી કરાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જોકે, સર્વોચ્ચ અદાલતે ગુજરાત હાઇકોર્ટના નિર્ણયમાં કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ કરવાની સ્પષ્ટ ઈન્કાર કરીને જામીન અરજી ફગાવી દીધી છે.
કલમ 45ની શરતોના પાલનમાં નિષ્ફળતા
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે, હાઈકોર્ટ દ્વારા કલમ 45 હેઠળ જામીન માટે નક્કી કરાયેલી બે મુખ્ય અને મહત્વની શરતોના પાલનમાં આરોપી નિષ્ફળ નિવડયો છે. જેના લીધે સુપ્રિમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના જામીન રદ કરવાના આદેશને યથાવત્ત રાખ્યો છે. આ નિર્ણયથી છેલ્લા 10 મહિના કરતા વધારે સમયગાળાથી જેલમાં બંદ પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની કાયદાકીય મુશ્કેલીમાં ધરખમ વધારો થયો છે.
પૂર્વ કલેક્ટરે 501 ફાઈલોને મંજૂરી આપી
સુરેન્દ્રનગર જિલ્લામાં 4 ફેબ્રુઆરી 2025થી 30 ડિસેમ્બર 2025 સુધીના અલ્પગાળામાં જમીન NA કરવાની 842 અરજીઓ આવી. જેમાં અંદાજિત 9,70,59,900ની મોટી અને તગડી લાંચ લેવામાં આવી હોવાનું સામે આવ્યું. ઈડીની તપાસમાં સામે આવ્યું કે, જિલ્લાના તત્કાલીન જિલ્લા કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલના કાર્યકાળ દરમિયાન 501 જમીન ફાઈલોને મંજૂરી અપાઈ હતી. ઈડીની પ્રમાણે, પૂર્વ જિલ્લા કલેક્ટર અને તત્કાલિન અદિક કલેક્ટર અને પીએ સહિતના મોટા અધિકારીઓએ જમીનની 501 અરજીઓને મંજૂર કરવા માટે રુ. 3, 12, 62,230 મળ્યાનું ખુલ્યું હતું.
