સુરેન્દ્રનગરમાં ખાંડના ભાવવધારા અને કાળાબજારી રોકવા પુરવઠા તંત્રની કાર્યવાહી, વેપારીઓના ગોડાઉનમાં તપાસ

આગામી તહેવારોમાં ખાંડના ભાવવધારા અને કૃત્રિમ અછતને રોકવા સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા વિભાગે જથ્થાબંધ વેપારીઓ અને ગોડાઉનો પર સઘન તપાસ ઝુંબેશ હાથ ધરી છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Fri, 28 Aug 2026 08:06 PM (IST)Updated: Fri, 28 Aug 2026 08:06 PM (IST)
supply-department-takes-action-in-surendranagar-to-curb-sugar-price-hikes-and-black-marketing-inspections-conducted-at-traders-warehouses

Sugar Black Marketing: આગામી સમયમાં સાતમ-આઠમ અને ગણેશોત્સવ જેવા મુખ્ય તહેવારોની સીઝન શરૂ થઈ રહી છે ત્યારે સામાન્ય નાગરિકોને વ્યાજબી ભાવે ખાંડ સહિતની આવશ્યક ચીજવસ્તુઓ મળી રહે તે માટે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર પૂર્ણ રીતે સક્રિય બન્યું છે. બજારમાં કૃત્રિમ અછત ઊભી કરીને ગેરકાયદેસર સંગ્રહખોરી કે ભાવવધારો કરતા તત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે.

કલેક્ટરના આદેશથી પુરવઠા વિભાગની દરોડા કાર્યવાહી

હાલમાં ખાંડના ભાવમાં જોવા મળી રહેલી અનિયમિતતા અને વધારાને ધ્યાને રાખી જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકીએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. જેના પગલે જિલ્લા પુરવઠા અધિકારી એ. જી. ગજ્જરની આગેવાની હેઠળની ટીમોએ સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં જથ્થાબંધ ખાંડના મોટા વેપારીઓ અને ગોડાઉનો પર સઘન ચકાસણી ઝુંબેશ શરૂ કરી છે.

4,000 ક્વિન્ટલ સ્ટોક મર્યાદા અને દસ્તાવેજોનું સ્થળ તપાસ

પુરવઠા વિભાગની જુદી-જુદી ટીમોએ શહેરી અને ગ્રામ્ય વિસ્તારના વેપારી મથકોએ રૂબરૂ પહોંચી ખાંડના ભૌતિક જથ્થા સાથે ચોપડાના રેકોર્ડ મેળવ્યા હતા.

સ્ટોક મર્યાદા ચકાસણી: સરકારના નિયમ મુજબ કોઈ પણ જથ્થાબંધ વેપારી 4,000 ક્વિન્ટલથી વધુ ખાંડનો જથ્થો રાખી શકતો નથી.

સમયમર્યાદા: વેપારીઓ 30 દિવસથી વધુ સમય માટે માલ સ્ટોક કરીને કૃત્રિમ અછત તો ઊભી નથી કરી રહ્યા ને, તેની ઝીણવટભરી વિગતો ચકાસવામાં આવી હતી.

કડક ચેતવણી: કાળાબજારી કરનારા સામે થશે કાયદેસરની કાર્યવાહી

પુરવઠા તંત્ર દ્વારા તમામ નાના-મોટા વેપારીઓને કેન્દ્ર અને રાજ્ય સરકારના ખાંડ નિયંત્રણ કાયદાઓનું ચુસ્તપણે પાલન કરવા કડક સૂચના આપવામાં આવી છે. જો કોઈ વેપારી સંગ્રહખોરી, કાળાબજારી કે ગેરરીતિ આચરતા પકડાશે તો તેમની સામે આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ ગુનો નોંધીને આકરી કાનૂની કાર્યવાહી કરવાની સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે.