Surendranagar: સુરેન્દ્રનગરના આ ખેડૂત બાગાયતી ખેતી કરીને કરે છે કરોડો રૂપિયાની કમાણી, જાણો કેવી રીતે મેળવે છે વળતર

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Thu, 25 Jul 2024 04:30 PM (IST)Updated: Thu, 25 Jul 2024 04:30 PM (IST)
farmer-of-surendranagar-earns-crores-of-rupees-by-doing-horticulture

Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના મોટા અંકેવાળીયા ગામના પ્રગતિશીલ ખેડૂત પરેશભાઈ પટેલે 50 વીઘા જેટલી જમીનમાં ખારેકની પ્રાકૃતિક ખેતી થકી વાર્ષિક 50થી 75 લાખની માતબર કમાણી કરી રહ્યા છે. ખારેકની વચ્ચે આંતરપાક તરીકે 100 જેટલાં કમલમ ફ્રૂટના છોડનું પણ વાવેતર કર્યું છે. આ ઉપરાંત પરેશભાઈએ અન્ય 60 વીઘા જેટલી જમીનમાં 7 હજાર જેટલા દાડમના રોપાનું પણ વાવેતર કર્યું છે. આમ પરેશભાઈએ બાગાયતી પાકોની ખેતીમાં અથાગ મહેનત કરી સારો એવો નફો મેળવી આજુબાજુના સમગ્ર પંથકના ખેડૂતોનું ધ્યાન ખેંચ્યું છે.

ખારેકની પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ વિશેની જાણકારી આપતા પરેશભાઈએ જણાવ્યું હતું કે, આજથી લગભગ 8 વર્ષ પહેલા 50 વીઘા જેટલી જમીનમાં 400 જેટલાં દેશી ખારેકના રોપા અને 550 જેટલાં બારાહી ખારેકના રોપાનું વાવેતર કર્યું હતું. આ રોપાની ખરીદી વલસાડની અતુલ કંપની પાસેથી કરી હતી. ખારેકની ખેતીની શરૂઆત કરી ત્યારથી આજદિન સુધી એક પણ પ્રકારના રાસાયણિક ખાતરનો ઉપયોગ મેં કર્યો નથી. ખારેકની સંપૂર્ણ ખેતી હું ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી કરી રહ્યો છું. ખેતીમાં જીવામૃત, ગોબર, ગૌમુત્રનો ઉપયોગ કરું છું. રાસાયણિક ખેતીની સરખામણીમાં ગાય આધારિત ખેતીમાં નહિવત ખર્ચ થાય છે અને ઉત્પાદન પણ સારું મળે છે. ખારેકના વેચાણ વિશેની માહિતી આપતા પરેશભાઈએ વધુમાં ઉમેર્યું હતું કે, અંદાજે ખારેકનું વાર્ષિક 150થી 200 ટન ઉત્પાદન રહે છે. 50થી લઈને 150 રૂપિયા સુધીના ભાવે સુરેન્દ્રનગર, અમદાવાદ અને સૌરાષ્ટ્રના લગભગ તમામ જિલ્લાઓમાં ખારેકનું વેચાણ કરે છે. વધુમાં તેમણે તમામ ખેડૂત મિત્રોને અન્ય પાકોના વાવેતર કરતા બાગાયતી પાકોના વાવેતરમાં સારું વળતર મળતું હોવાથી તમામ ખેડૂત મિત્રોને બાગાયત પાકોની ખેતી કરવા અનુરોધ કર્યો હતો.

દાડમનું ઉત્પાદન અને વેચાણ
દાડમની ખેતી વિશેની વાત કરતા પરેશભાઈએ વધુમાં ઉમેર્યું હતું કે, મારી બીજી 60 વીઘા જમીનમાં 7 હજાર જેટલાં સુપર ભગવો જાતના દાડમના રોપાનું વાવેતર કર્યું છે. દાડમમાં પર પ્લાન્ટ અંદાજે 20થી 30 કિલોનું ઉત્પાદન રહે છે. 60થી 70 રૂપિયા કિલો દાડમનું વેચાણ કરૂ છે. આમ વાર્ષિક દાડમમાંથી 1.50થી 2 કરોડની કમાણી થાય છે.

બાગાયત વિભાગની સહાય
રાજ્ય સરકારના બાગાયત વિભાગની વિવિધ સહાયકિય યોજનાઓ અંતર્ગત પરેશભાઈને ખાતાદીઠ એક હેક્ટરની મર્યાદામાં 125 રોપાઓ માટે રોપા દીઠ 1250ની સહાય આપવામાં આવી છે. દર વર્ષે પેકિંગ મટીરીયલમાં પણ સહાયનો લાભ આપવામાં આવે છે. આ ઊપરાંત પરેશભાઈને પેક હાઉસમાં 2 લાખ રૂપિયા અને ટ્રેક્ટર ઓપ્રેટેડ સ્પ્રયેરમાં 63 હજારની સહાય આપવામાં આવી છે.

જિલ્લા બાગાયત અધિકારી સચિનભાઈના જણાવ્યા અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં આજે બાગાયત ક્ષેત્રે ઘણી પ્રગતિ થઈ છે. જિલ્લામાં ફળ પાકોનો વાવેતર વિસ્તાર લગભગ તમામ તાલુકાઓમાં વધી રહ્યો છે. જિલ્લાના ખેડૂતો લીંબુ, દાડમ, જામફળ, બોર, કમલમ, દ્રાક્ષ જેવા અલગ-અલગ પાકોની ખેતી કરે છે. સરકારશ્રીની વિવિધ સહાયલક્ષી યોજનાઓના લાભોથી પણ ખેડૂતો બાગાયતી ખેતી તરફ આકર્ષાઈ રહ્યા છે. તેમણે જિલ્લાના તમામ ખેડૂતોને સરકારની વિવિધ સબસીડી યોજનાઓનો લાભ લઇ બાગાયતી ખેતી અપનાવવા જણાવ્યું હતું.