Surendranagar: મૂળીમાં ફરજ પરથી પરત જતા વન કર્મચારી પર ઘાતક હુમલો, ખનીજ માફિયાઓ સંડોવાયેલા હોવાની શંકા

આ હુમલા પાછળ બે દિવસ પૂર્વે કળમાદ ગામે ઝડપાયેલ ગેરકાયદેસર સફેદ માટીના ખનન (ખનીજ માફિયાઓ) જવાબદાર હોવાની ચર્ચા થઈ રહી છે.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Tue, 30 Sep 2025 04:51 PM (IST)Updated: Tue, 30 Sep 2025 04:51 PM (IST)
deadly-attack-on-forest-employee-returning-from-duty-in-muli-suspicion-of-involvement-of-mineral-mafia
HIGHLIGHTS
  • બે સ્કોર્પિયો કારમાં આવેલા આશરે પંદર જેટલા ઈસમોએ વન કર્મચારીના બાઇક સાથે કારની ટક્કર મારી હતી.
  • હુમલાખોરોએ તેમની પાછળ દોડીને હુમલો કર્યો હતો અને નાસી છૂટ્યા હતા.

Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના સરલા ગામે ફરજ પરથી ઘરે પરત ફરી રહેલા એક વન કર્મચારી પર કેટલાક શખ્સો દ્વારા સશસ્ત્ર હુમલો કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. આ હુમલા પાછળ બે દિવસ પૂર્વે કળમાદ ગામે ઝડપાયેલ ગેરકાયદેસર સફેદ માટીના ખનન (ખનીજ માફિયાઓ) જવાબદાર હોવાની ચર્ચા થઈ રહી છે.

આ ઘટનાની વિગત મુજબ, ધ્રાંગધ્રા નોર્મલ રેન્જના રાજસીતાપુર રાઉન્ડ વિસ્તારમાં ફરજ બજાવતા વન કર્મચારી પ્રતાપસિંહ ગગજીભાઈ સોલંકી રવિવારે બપોરના સમયે અડધા દિવસની રજા મૂકીને પોતાના બાઇક પર ઘરે સરલા ગામે જઈ રહ્યા હતા. આ દરમિયાન બાઇક રોંગ સાઇડમાં ચલાવવા જેવી સામાન્ય બાબતે માથાકૂટ થઈ હતી.

તુરંત જ, બે સ્કોર્પિયો કારમાં આવેલા આશરે પંદર જેટલા ઈસમોએ વન કર્મચારીના બાઇક સાથે કારની ટક્કર મારી હતી અને હથિયારો લઈને કારમાંથી નીચે ઉતરી ગયા હતા. હુમલાથી ગભરાયેલા પ્રતાપસિંહ સોલંકી પોતાનો જીવ બચાવવા માટે બાઇક મૂકીને ભાગવાનો પ્રયત્ન કર્યો, છતાં હુમલાખોરોએ તેમની પાછળ દોડીને હુમલો કર્યો હતો અને નાસી છૂટ્યા હતા.

હુમલાની ઘટના CCTVમાં કેદ

હુમલાની આ સમગ્ર ઘટના રસ્તા પર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે, જેના ફૂટેજ પણ સામે આવ્યા છે. ઇજાગ્રસ્ત કર્મચારીએ તાત્કાલિક વન વિભાગના અધિકારીઓને જાણ કરી હતી અને CCTV ફૂટેજ સાથે જિલ્લા પોલીસ વડાને પણ રજૂઆત કરવામાં આવી હતી. ચર્ચા મુજબ, આ હુમલા પાછળ ખનીજ માફિયાઓનો હાથ હોઈ શકે છે. બે દિવસ અગાઉ કળમાદ ગામે સફેદ માટીનું ખનન ઝડપાયું હતું, જેમાં સંડોવાયેલા કેટલાક ખનીજ માફિયાઓએ આ હુમલો કર્યો હોવાનું મનાય છે.

મૂળી પોલીસે વન કર્મચારીના નિવેદનને આધારે ફરિયાદ નોંધી છે, જેમાં અરજણભાઈ વાઘાભાઈ રોજિયા, ઇસુભાઈ વિહાભાઈ રબારી, ગોપાલભાઈ મેરુભાઈ રબારી, રવિનભાઈ સુરાભાઈ રબારી, ગભરુભાઈ કરશનભાઈ રબારી સહિત દસ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. આ ગંભીર મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.