Chotila Demolition News: સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે ચામુંડા માતાજીના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને અવરજવરમાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા વહીવટી તંત્ર દ્વારા તળેટી વિસ્તારમાં ફરી એકવાર દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અંદાજે 40 ફૂટના જાહેર માર્ગને ખુલ્લો કરવાના હેતુથી ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર અને પોલીસની સંયુક્ત ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.
ચોટીલા ચામુંડા માતાજીના મંદિર તરફ જતા તળેટી વિસ્તારના મુખ્ય માર્ગ પર ઊભા કરવામાં આવેલા શેડ અને છાપરા સહિતના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જાહેર માર્ગ પર થયેલા દબાણોને કારણે અવરજવર દરમિયાન સર્જાતી મુશ્કેલીઓ અને ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો
માર્ગ ખુલ્લો થવાથી વાહન ચાલકો તેમજ પગપાળા આવતા દર્શનાર્થીઓને અવરજવરમાં રાહત મળવાની આશા છે. ખાસ કરીને તહેવારો, રજાઓ અને દર્શનાર્થે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય તેવા સમયે તળેટી વિસ્તારમાં ટ્રાફિકનું યોગ્ય સંચાલન થઈ શકે તે માટે માર્ગ પરના દબાણો દૂર કરવા જરૂરી બન્યું છે.
