સાયલા તાલુકાના નાના સાખપર ગામે રહેતી ૨૩ વર્ષીય યુવતીને એક પરિણીત પુરૂષ હેરાન કરતો હતો. પરાણે પ્રેમ સબંધ રાખવા અને તારા બીજે કયાંય લગ્ન નહી થવા દઉ તેવી ધમકી આપતા યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની મૃતકના ભાઈએ પરિણીત પુરૂષ સામે દુષ્યેરણાની ધજાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
સાયલા તાલુકાના નાના સાખપર ગામે રહેતા 33 વર્ષીય હરસુખભાઈ હનાભાઈ ભડાણીયા ખેતી કરે છે. તેમનાથી નાની બહેન 23 વર્ષીય કાજલ છે. કાજલબેનને ગામનો અને પરીણીત એવો હરસુખ જેરામભાઈ મકવાણા અવારનવાર હેરાન કરતો હતો. દોઢેક વર્ષ પહેલા વાડીએ મોટર રિપેરીંગ કરવા આવેલા આ શખ્સે કાજલબેનો હાથ પકડ્યો હતો. ત્યારે કાજલબેનના ભાઈએ તેને ઠપકો આપતા તારાથી થાય તેમ કરી લેજે તેમ કહ્યું હતું.
ત્યારબાદ પણ હરસુખ મકવાણા અવારનવાર કાજલબેનની વાડીએ જતો હતો અને પરાણે પ્રેમસંબંધ રાખવા દબાણ કરતો હતો. આ ઉપરાંત તારા બીજે કયાંય લગ્ન નહીં થવા દઉં તેમ ધમકી આપતો હતો. આથી તારીખ 30મી એપ્રિલના રોજ કાજલબેને તેમના ઘરે છતના હુક સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
આ બનાવમાં મૃતક કાજલબેનના ભાઈ હરસુખભાઈ હનાભાઈ ભડાણીયાએ ગામના હરસુખ જેરામભાઈ મકવાણા સામે દુષ્યેરણાની ફરિયાદ નોંધાવી છે. આ બનાવની વધુ તપાસ પીએસઆઈ ડી.ડી.ચુડાસમા ચલાવી રહ્યા છે.
