World Heart Day 2026:'વિશ્વ હૃદય દિવસ' નિમિત્તે હૃદયની જાળવણીના સંદેશા વચ્ચે સુરતના એક શ્રમિક પરિવારે વર્ષ 2017માં લીધેલા અંગદાનના સાહસિક નિર્ણયની યાદો આજે ફરી તાજી થઈ છે. પશ્ચિમ ભારતમાં સૌથી નાની વયના બાળકના હૃદયદાન અને ટ્રાન્સપ્લાન્ટનો આ કિસ્સો તબીબી જગત માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થયો હતો. સુરતના 14 મહિનાના માસૂમ સોમનાથના હૃદયે નવી મુંબઈની સાડા ત્રણ વર્ષની બાળકી આરાધ્યાને નવજીવન આપ્યું હતું. આજે 9 વર્ષના સફળ ગાળા બાદ આરાધ્યા 13 વર્ષની થઈ છે અને સામાન્ય કિશોરીની જેમ જીવન વિતાવી રહી છે.
સીડી પરથી પડી જતાં સોમનાથ બ્રેઈનડેડ જાહેર થયો હતો
મૂળ બિહારના સીવાન જિલ્લાના વતની અને સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા સુનીલભાઈ વિશ્વકર્મા શાહ લૂમ્સના ખાતામાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. 2 સપ્ટેમ્બર 2017ના રોજ તેમનો 14 મહિનાનો પુત્ર સોમનાથ ઘર પાસે રમતી વખતે સીડી પરથી નીચે પટકાયો હતો. માથામાં ગંભીર ઈજાઓ થતાં તેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જોકે, સીટી સ્કેન રિપોર્ટમાં બ્રેઈન હેમરેજ અને મગજમાં ફ્રેક્ચર જણાતા તબીબોના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા અને 4 સપ્ટેમ્બરના રોજ સોમનાથને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યો હતો.
પુત્ર ગુમાવ્યાના દુઃખ વચ્ચે પરિવારે અંગદાનનો નિર્ણય લીધો
સિવિલ હોસ્પિટલના તબીબોએ 'ડોનેટ લાઈફ' સંસ્થાના પ્રમુખ નીલેશ માંડલેવાલાનો સંપર્ક કર્યો હતો. સંસ્થાના પ્રતિનિધિઓએ સોમનાથના પિતા સુનીલભાઈ અને માતા કિરણબેનને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. પોતાના વહાલસોયા પુત્રને ગુમાવવાનું અસહ્ય દુઃખ હોવા છતાં, આ શ્રમિક દંપતીએ ઉદારતા દાખવી અન્ય બાળકોને નવજીવન આપવા માટે સોમનાથના અંગોના દાનની સંમતિ આપી હતી. પરિવારે જણાવ્યું હતું કે, અમારો સોમનાથ તો હવે નથી રહ્યો, પણ તેના અંગો થકી તે અન્ય બાળકોમાં જીવિત રહેશે તે જ અમારું ગૌરવ છે.
સુરતથી મુંબઈ સુધીનું 269 કિમીનું અંતર માત્ર 92 મિનિટમાં કપાયું
પરિવારની સંમતિ બાદ હૃદયના ટ્રાન્સપ્લાન્ટ માટે NOTTO અને મુંબઈની ફોર્ટિસ હોસ્પિટલનો સંપર્ક કરવામાં આવ્યો હતો. હૃદયને સુરતથી મુંબઈ પહોંચાડવા માટે વહીવટી તંત્ર દ્વારા ગ્રીન કોરિડોરની વ્યવસ્થા કરવામાં આવી હતી. સુરત સિવિલ હોસ્પિટલથી એરપોર્ટ અને ત્યારબાદ મુંબઈ એરપોર્ટથી મુલુંડ ફોર્ટિસ હોસ્પિટલ સુધીનું 269 કિમીનું કુલ અંતર માત્ર 92 મિનિટમાં કાપીને હૃદય પહોંચાડવામાં આવ્યું હતું. મુંબઈના કાર્ડિયાક સર્જન ડો. અનવય મુલે અને તેમની ટીમે સાડા ત્રણ વર્ષની આરાધ્યા મુલેમાં આ હૃદયનું સફળ પ્રત્યારોપણ કર્યું હતું.
સોમનાથના હૃદયદાનથી આરાધ્યાને નવું જીવન મળ્યું
નવી મુંબઈની આરાધ્યા છેલ્લા દોઢ વર્ષથી હૃદયની ગંભીર બીમારીથી પીડાતી હતી. તેના હૃદયની કાર્યક્ષમતા માત્ર 5 થી 10 ટકા જ રહી ગઈ હતી અને તેને વારંવાર હોસ્પિટલમાં દાખલ કરવી પડતી હતી. સોશિયલ મીડિયા પર 'Save Aaradhya' કેમ્પેઈન પણ ચલાવવામાં આવ્યું હતું. સોમનાથના હૃદયદાનથી તેને નવું જીવન મળ્યું હતું. આ ટ્રાન્સપ્લાન્ટને આજે 9 વર્ષ પૂર્ણ થયા છે. આરાધ્યા હવે 13 વર્ષની છે અને ધોરણ 8માં અભ્યાસ કરે છે. તે નિયમિત ફોલો-અપ અને દવાઓ સાથે સંપૂર્ણપણે સ્વસ્થ છે અને સામાન્ય જીવન માણી રહી છે.
અંગદાનના ઓપરેશનનો ઘટનાક્રમ
સવારે 07:30: ફોર્ટિસ હોસ્પિટલની ટીમ હૃદય સાથે સુરત સિવિલથી એરપોર્ટ રવાના થઈ.
સવારે 07:45: ટીમ સુરત એરપોર્ટ પહોંચી.
સવારે 07:55: કોમર્શિયલ ફ્લાઈટમાં હૃદય લઈ મુંબઈ જવા રવાના.
સવારે 08:35: ટીમ મુંબઈ એરપોર્ટ પહોંચી.
સવારે 09:02: હૃદય ફોર્ટિસ હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં પહોંચાડાયું.
