Video: જામનગરમાં ‘સ્વસ્તિક અંગારા રાસ’ની ઝમાવટ; ખેલૈયાઓનો અદભુત રાસ જોવા લોકોની ભીડ જામી

ખેલૈયાઓ જ્યારે સ્વસ્તિક રાસ રમે છે, ત્યારે તેને ઉપરથી જોવામાં આવે તો હૂબહૂ સ્વસ્તિકનું ચિહ્ન બની જાય છે, જેને જોવા માટે બહારગામથી પણ ઘણા લોકો ખાસ અહીં આવે છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 14 Oct 2026 12:59 PM (IST)Updated: Wed, 14 Oct 2026 12:59 PM (IST)
watch-video-incredible-swastik-angara-raas-performed-with-fire-in-jamnagar

Jamnagar Swastik Angara Raas Video: જામનગરમાં નવરાત્રિ પર્વ દરમિયાન પ્રાચીન ગરબીઓનું અનેરું આકર્ષણ જોવા મળે છે. શહેરના કડિયાવાડ ગરબી ચોક ખાતે છેલ્લા 52 વર્ષથી યોજાતી ‘શ્રી રાંદલ અંબિકા કુમારિકા ગરબી મંડળ’ની પરંપરાગત ગરબી આજે દેશ અને વિદેશના મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. અહીં પરંપરાગત પહેરવેશમાં સજ્જ નાના ખેલૈયાઓ દ્વારા સળગતા લાકડા (અંગારા) વચ્ચે રજૂ કરાતો અનોખો ‘સ્વસ્તિક અંગારા રાસ’ નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. આગના અંગારા વચ્ચે રમાતા આ દિલધડક રાસનો નજારો જોવા માટે આસપાસની ઊંચી જગ્યાઓ અને અગાશીઓ પર પણ પ્રેક્ષકોની ભારે ભીડ જોવા મળે છે.

સ્વસ્તિક અને મશાલ રાસ અમારા મહત્વના રાસ: આયોજક

કડિયાવાડ ગરબી ચોકમાં શ્રી રાંદલ અંબિકા ગરબી મંડળના આયોજક સુનીલ ગોંડલિયાએ જણાવ્યું હતું કે, અહીં આ ગરબી છેલ્લા 52 વર્ષથી યોજાઈ રહી છે. અમારા મંડળના મહત્વના રાસમાં સ્વસ્તિક રાસ, મશાલ રાસ, સળગતી ઇંઢોણી રાસ તથા ડાકલા રાસનો સમાવેશ થાય છે. ખેલૈયાઓ જ્યારે સ્વસ્તિક રાસ રમે છે, ત્યારે તેને ઉપરથી જોવામાં આવે તો હૂબહૂ સ્વસ્તિકનું ચિહ્ન બની જાય છે, જેને જોવા માટે બહારગામથી પણ ઘણા લોકો ખાસ અહીં આવે છે.

પ્રાચીન સંસ્કૃતિ અને ગરબા નિહાળી મુલાકાતીઓ મંત્રમુગ્ધ થયા

આ અનોખા સ્વસ્તિક ગરબા નિહાળવા આવેલી એક યુવતીએ પોતાનો અનુભવ જણાવતા કહ્યું હતું કે, હું અહીં ખાસ સ્વસ્તિક રાસ જોવા માટે આવી છું. નાના છોકરાઓ અને છોકરીઓને પરંપરાગત ગુજરાતી લોકનૃત્ય રજૂ કરતા જોવા એ ખરેખર એક મંત્રમુગ્ધ કરનારો અનુભવ હતો. તેઓ હજુ પણ આ પ્રાચીન પરંપરાઓને જીવંત રાખી રહ્યા છે તે જોઈને હું ખૂબ જ પ્રભાવિત થઈ છું.

આ ઉપરાંત ગરબા જોવા આવેલા એક વિદેશી મહિલાએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હું આજે અહીં સ્વસ્તિક રાસ જોવા માટે આવી છું અને મને આ રાસ જોઈને ખૂબ જ સારું લાગ્યું. આ જામનગરનો ખાસ રાસ છે, તો તમે પણ જરૂર આવજો, આ ખૂબ જ સરસ છે.