Vande Bharat Express Stone Pelting: દેશની અતિ આધુનિક અને હાઈસ્પીડ ટ્રેન તરીકે ઓળખાતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારાની વધુ એક ઘટના સામે આવી છે, ગાંધીનગરથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેન પર સુરત નજીક પથ્થરમારો થયાની ઘટના સામે આવી છે. 17 નવેમ્બરની સાંજે બનેલી આ ઘટનાને પગલે ટ્રેનમાં સવાર મુસાફરોમાં થોડા સમય માટે ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પથ્થર વાગવાથી ટ્રેનના C4 કોચની બારીનો બહારનો કાચ તૂટી ગયો હતો. જોકે, સદનસીબે કોઈ મુસાફરને ઈજા થઈ નથી.
વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થતાં કાચ તૂટ્યો
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નંબર 20902 ગાંધીનગરથી મુંબઈ સેન્ટ્રલ તરફ જઈ રહી હતી. આ દરમિયાન સુરતની હદમાંથી પસાર થતી વેળાએ સાંજે આશરે 5:23 વાગ્યે ટ્રેન પર પથ્થર ફેંકવામાં આવ્યો હતો. ટ્રેનના C4 કોચમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરે બારીના કાચ સાથે કોઈ વસ્તુ જોરથી અથડાવાનો અવાજ સાંભળ્યા બાદ રેલવે તંત્રને જાણ કરી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે પથ્થર વાગવાથી બારીનો બહારનો કાચ ક્રેક થઈ ગયો હતો, જ્યારે અંદરનો કાચ સુરક્ષિત રહ્યો હતો.
શંકાસ્પદ વ્યક્તિની શોધખોળ શરુ
ઘટનાની જાણ થતાં જ રેલવેના કંટ્રોલ રૂમ અને સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી હતી. મુસાફરની ફરિયાદના આધારે RPFની ટીમને તાત્કાલિક સંબંધિત સ્થળે મોકલવામાં આવી હતી. સુરક્ષા જવાનોએ રેલવે ટ્રેકની આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી અને સ્થાનિક લોકોની પણ પૂછપરછ કરી હતી. જોકે, તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વ્યક્તિની ભાળ મળી શકી નહોતી.
પોલીસે સર્ચ ઓપરેશન શરુ કર્યું
ચાલુ ટ્રેન પર પથ્થરમારાને કારણે રેલવેની સંપત્તિને નુકસાન પહોંચ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉધના રેલવે પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ કાફલાએ રેલવે ટ્રેકની આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, પરંતુ સ્થળ પરથી કોઈપણ સંદિગ્ધ વ્યક્તિ મળી આવ્યો ન હતો. હાલ ઉધના રેલવે પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આસપાસના વિસ્તારોમાં તપાસ આરંભી છે.
પથ્થરમારો કોણે અને કયા કારણોસર કર્યો તે જાણવા માટે પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોમાં તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે 10 દિવસ પહેલા(8 નવેમ્બર) પણ અમરેલીમાં વંદેભારત પર પથ્થરમારો થયો હતો. 4 મહિનામાં સુરત નજીક વંદે ભારત પર પથ્થરમારાની 3 ઘટના સામે આવી છે
