અમેરિકા દ્વારા ટેરિફમાં ઘટાડાથી સુરત સહિત સમગ્ર ગુજરાતના હીરા ઉદ્યોગમાં તેજીના નવા દ્વાર ખુલશે, હીરાની નિકાસ વધવાથી ઉદ્યોગનું ભવિષ્ય પણ સુરક્ષિત

50 ટકા ટેરિફના સંકટમાંથી મુક્તિ મળતા સુરત-મુંબઈના હીરાના હબ ફરી ધમધમી ઉઠશે, હીરા ઉદ્યોગને નવા ઓર્ડર મળશેઃ ઈન્ડિયન ડાયમંડ ઈન્સ્ટીટ્યૂટના ચેરમેન દિનેશભાઈ નાવડિયા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 04 Feb 2026 09:01 PM (IST)Updated: Wed, 04 Feb 2026 11:52 PM (IST)
us-cuts-tariff-on-indian-diamonds-to-18-surat-and-gujarat-diamond-industry-set-for-major-revival
HIGHLIGHTS
  • હીરાઉદ્યોગની ધીરજના મીઠા ફળો: મંદીના વાદળો વિખેરાશે અને ભારતના હીરા-ઝવેરાત ઉદ્યોગને નવી ઉર્જા આપશે

Surat: અમેરિકાએ ભારતીય માલસામાન પર લાદેલો 50 ટકા ટેરિફ તાત્કાલિક અસરથી ઘટાડીને 18 ટકા કર્યો છે. આ નિર્ણયથી ભારતના હીરા અને ઝવેરાત ઉદ્યોગને મોટો લાભ થશે, જે છેલ્લા છ મહિનાથી સંકટના વાદળોથી ઘેરાયો હતો.

અમેરિકા ભારતના હીરા-ઝવેરાત ઉદ્યોગનો સૌથી મોટુ બજાર છે. હીરા અને ઝવેરાતની કુલ નિકાસમાં અમેરિકાનો હિસ્સો લગભગ 30 ટકા છે અને વાર્ષિક અંદાજે 10 અબજ ડોલર (10 બિલિયન ડોલર)ની નિકાસ થાય છે. જેમાંથી 7 થી 8 અબજ ડોલર હીરાની નિકાસ હોય છે, પરંતુ 2025 માં અમેરિકાએ પહેલાં 25 % અને પછી વધારાના 25 %નો ટેરિફ લાદ્યો હતો.

જેના કારણે કુલ ટેરિફ 50 % થતા ગત એપ્રિલથી ડિસેમ્બર-2025 દરમિયાન અમેરિકામાં ભારતીય હીરા-ઝવેરાતની નિકાસ પાછલા વર્ષે 6.95 અબજ ડોલરની તુલનાએ 44.4 % ઘટીને માત્ર 3.86 અબજ ડોલર રહી ગઈ હતી. ગત ડિસેમ્બર 2025 માં આ નિકાસ 50% થી વધુ ઘટી ગઈ હતી.

યુરોપના 27 દેશોના યુરોપિયન યુનિયન સાથે ટ્રેડ ડીલ અને હવે અમેરિકાના ટેરિફ ઘટાડવાના નિર્ણયથી ડાયમંડ ઈન્ડસ્ટ્રી, જેમ એન્ડ જ્વેલરી સેક્ટરને મોટું બજાર મળશે: ઈન્ડિયન ડાયમંડ ઈન્સ્ટીટ્યૂટના ચેરમેન દિનેશભાઈ નાવડિયા

સુરતના કતારગામ સ્થિત ઈન્ડિયન ડાયમંડ ઈન્સ્ટીટ્યૂટના ચેરમેન દિનેશભાઈ નાવડિયાએ ટેરિફ ઘટાડાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વધુપડતા ટેરિફના કારણે સુરતના હીરાના પોલિશિંગ યુનિટ્સમાં લાખો કામદારો પર નોકરીનું સંકટ મંડરાઈ રહ્યું હતું. ઉદ્યોગને માર્જિન પર ભારે દબાણ આવ્યું હતું, કેશફ્લો અટવાઈ ગયો હતો.

હવે 18 % ના ટેરિફ થતા હીરાઉદ્યોગમાં નવી ઉર્જાનો સંચાર થશે. ઈન્સ્ટિટ્યુશનલ ઈક્વિટીઝના અહેવાલ અનુસાર આ ટેરિફ કટથી હીરાના નિકાસકારોને હવે વધુ સસ્તી કિંમતે માલ વેચવાની તક મળશે. જેથી નવા ઓર્ડર પાછા મેળવી શકાશે, જેનાથી મધ્યમ ગાળાના વિકાસ અને રોજગારીને મજબૂતી મળશે.

naidunia_image

ટેરિફ ઘટાડવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજનીતિક કુનેહના ફરી એક વાર દેશવાસીઓને દર્શન થયા છે એમ જણાવી નાવડિયાએ ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ યુરોપના 27 દેશોના યુરોપિયન યુનિયન સાથે કરવામાં આવેલી ટ્રેડ ડીલ અને હવે અમેરિકાના ટેરિફ ઘટાડવાના નિર્ણયથી ડાયમંડ ઈન્ડસ્ટ્રી, જેમ એન્ડ જ્વેલરી સેક્ટરને મોટું બજાર મળશે અને લાંબાગાળે મોટો આર્થિક ફાયદો થશે.

આ રાહતથી માસ-માર્કેટ અને મિડ-પ્રાઈસ સેગ્મેન્ટમાં અમેરિકાના ખરીદદારો ફરીથી ભારતીય હીરા અને ઝવેરાત તરફ વળશે. લેબગ્રોન ડાયમંડ્સની વધતી હરીફાઈ વચ્ચે પણ નેચરલ ડાયમંડ્સની માંગ પણ પૂર્વવત થશે.

સુરતના હીરા બજારમાં ફરી રોનક આવશે એમ જણાવી તેમણે વધુમાં કહ્યું કે, ટેરિફકાપનો નિર્ણય ભારત-અમેરિકા વેપાર સંબંધોમાં નવો અધ્યાય ખોલશે. આગામી મહિનાઓમાં ડાયમંડ નિકાસમાં ઝડપી વૃદ્ધિ થશે અને સુરત-મુંબઈના હીરા-ઝવેરાત હબ ફરીથી ધમધમી ઊઠશે. ભારતના હીરા-ઝવેરાત ઉદ્યોગ માટે આ એક નવી ઉર્જા આપશે. જેનાથી હીરાની નિકાસ વધવાની સાથે હીરા ઉદ્યોગનું ભવિષ્ય પણ સુરક્ષિત થયું છે.

naidunia_image

ટેરિફ 50% થી ઘટીને 18 % થતા CVD (Chemical Vapour Deposition) અને HPHT (હાઈપ્રેશર, હાઈ ટેમ્પરેચર) ડાયમંડ ક્ષેત્રે રોજગારીની વિપુલ તકો સર્જાશે: શાંતિભાઈ ધાનાણી (ખજાનચી, ડાયમંડ એસોસિએશન)

સુરત ડાયમંડ એસોસિએશનના ખજાનચી શાંતિજીભાઈ ધાનાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, અમેરિકા સરકાર દ્વારા ભારતીય ડાયમંડ પરના ઈમ્પોર્ટ ટેરિફમાં 50% થી ઘટાડો કરી 18% કરવામાં આવતા સુરતના હીરા ઉદ્યોગમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.

ટેરિફ ઘટવાથી ખાસ કરીને લો-વેલ્યુ ધરાવતા CVD (Chemical Vapour Deposition) અને HPHT (હાઈપ્રેશર, હાઈ ટેમ્પરેચર) ડાયમંડ ક્ષેત્રે રોજગારીની વિપુલ તકો સર્જાશે અને તેની માંગમાં મોટો ઉછાળો આવશે. અત્યાર સુધી 50% જેટલો ઊંચો ટેરિફ હોવાને કારણે અમેરિકામાં ડાયમંડ મોકલવામાં મુશ્કેલીઓ પડતી હતી, જે હવે ઘણી હળવી થશે. આનાથી સુરત અને દક્ષિણ ગુજરાતના હીરા ઉદ્યોગમાં નવી તેજી આવશે.

તેમણે કહ્યું કે, સુરતની વિવિધ ફેક્ટરીઓમાં અંદાજે 8 થી 10 લાખ રત્નકલાકારો કાર્યરત છે. ટેરિફમાં ઘટાડાને પરિણામે કામના ભારણમાં વધારો થતાં રત્નકલાકારોની આજીવિકા વધુ સુદ્રઢ બનશે. માત્ર સુરત જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં પણ બંધ થયેલા કારખાનાઓ ફરી ધમધમતા થવાની અને ગ્રામીણ અર્થતંત્રને વેગ મળશે.

રિયલ ડાયમંડ અને જ્વેલરી ક્ષેત્રમાં સકારાત્મક બદલાવ આવશે એમ જણાવી ધાનાણીએ કહ્યું કે, રિયલ ડાયમંડ હજુ પણ હાઈ-વેલ્યુ ધરાવે છે. આગામી સમયમાં સરકાર જ્વેલરી પરના ટેરિફ અંગે પણ વાટાઘાટો (Negotiation) કરી રાહત અપાવે તેવી ઉદ્યોગકારોની માંગ છે. જો જ્વેલરી પરનો ટેરિફ પણ ઘટશે તો આ ક્ષેત્રમાં હરણફાળ પ્રગતિ જોવા મળશે.

naidunia_image

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની વાટાઘાટોથી હીરા ઉદ્યોગને ટેરિફ ઘટાડાના રૂપમાં ‘બુસ્ટર ડોઝ’ મળ્યો છે: દામજીભાઈ માવાણી, પાસ્ટ સેક્રેટરી, SDA
અમેરિકાના આ નિર્ણયથી ડાયમંડ માર્કેટમાં ઉત્સાહનો માહોલ છે એમ જણાવતા સુરત ડાયમંડ એસોસિએશનના પાસ્ટ સેક્રેટરી દામજીભાઈ માવાણીએ અમેરિકા દ્વારા ટેરિફ ઘટાડવાના પગલાને આવકારતા કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની વાટાઘાટોથી હીરા ઉદ્યોગને ટેરિફ ઘટાડાના રૂપમાં ‘બુસ્ટર ડોઝ’ મળ્યો છે. રત્નકલાકારો માટે આગામી સમય ખૂબ જ ઉજળો દેખાઈ રહ્યો છે.

વધુમાં માવાણીએ જણાવ્યું હતું કે, ભારતીય ડાયમંડ ઉદ્યોગ મુખ્યત્વે અમેરિકા, યુરોપ અને ફાર-ઈસ્ટ (ચીન) પર આધારિત છે. છેલ્લા કેટલાક સમયથી ચીનના ગ્રાહકો ડાયમંડને બદલે ગોલ્ડ તરફ વળતા ભારતીય હીરા ઉદ્યોગને મોટો ફટકો પડ્યો હતો. આવી સ્થિતિમાં યુરોપ અને અમેરિકાના બજારો આપણા માટે અત્યંત મહત્વના બન્યા હતા.પરંતુ ઊંચા ટેરિફને કારણે યુરોપ, અમેરિકામાં મંદીનું વાતાવરણ હતું, પરંતુ હવે ટેરિફમાં 18% નો સીધો ઘટાડો થતા હીરા ઉદ્યોગમાં મોટી તેજી આવવાના અણસાર છે.

આનાથી ફેક્ટરીઓનું કામ વધશે અને લાખો રત્નકલાકારો માટે રોજગારીની નવી તકોનું સર્જન થશે. ટેરિફ ઘટવાને કારણે અમેરિકામાં ભારતીય હીરા વધુ સ્પર્ધાત્મક ભાવે વેચી શકાશે, જે અંતે સુરતના હીરા ઉદ્યોગને વૈશ્વિક સ્તરે ફરી બેઠું કરવામાં મદદરૂપ થશે એમ તેમણે ઉમેર્યું હતું.

ટેરિફમાં ઘટાડો થવાથી હીરાઉદ્યોગમાં રોકાણ અને નિકાસ વધશે, જે રાષ્ટ્રીય સ્તરે દેશના અર્થતંત્રને મજબૂતી પ્રદાન કરશે: સુરત ડાયમંડ એસો.ના સેક્રેટરી ધીરૂભાઈ સવાણી
. . . . . . . . . . . . . .
સુરત ડાયમંડ એસોસિએશનના સેક્રેટરી ધીરૂભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, ભારત સરકારના સફળ રાજદ્વારી પ્રયાસોને પરિણામે અમેરિકામાં ડાયમંડ પરના ટેરિફમાં ઘટાડાથી વિદેશી હૂંડિયામણ વધશે અને રત્નકલાકારો સુધી આર્થિક સમૃદ્ધિ પહોંચશે.

ડાયમંડ ક્ષેત્ર ખૂબ જ મોટું આર્થિક કદ (વોલ્યુમ) ધરાવે છે, ત્યારે ડાયમંડ માર્કેટમાં નવા પ્રાણ ફૂંકાયા છે અને આ ક્ષેત્ર ફરી એકવાર સોળે કળાએ ખીલી ઉઠશે. આ ઉદ્યોગ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને મોટા પ્રમાણમાં વિદેશી હૂંડિયામણ (Foreign Exchange) કમાઈ આપે છે. ટેરિફમાં ઘટાડો થવાથી આ વ્યવસાયમાં રોકાણ અને નિકાસ વધશે, જે રાષ્ટ્રીય લેવલે દેશના અર્થતંત્રને મજબૂતી પ્રદાન કરશે.

આ ઐતિહાસિક નિર્ણય બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે, આ નિર્ણય ડાયમંડ ઉદ્યોગ અને રાષ્ટ્રના હિતમાં લેવાયેલું એક મોટું પગલું છે. ડાયમંડ ક્ષેત્ર ખૂબ જ મોટું આર્થિક કદ (વોલ્યુમ) ધરાવે છે. ભૂતકાળમાં હીરા ઉદ્યોગે જે રીતે તેજી સાથે પ્રગતિ કરી હતી, તેવી જ 'હરણફાળ' આગામી દિવસોમાં પણ ભરશે રહેશે તેવો આશાવાદ ધીરૂભાઈએ વ્યક્ત કર્યો હતો.