Unnati' Initiative:સુરત ખાતે GJEPC દ્વારા રત્ન અને જ્વેલરી ક્ષેત્રે મહિલાઓને કુશળ બનાવવા 'ઉન્નતિ' પહેલનો શુભારંભ

સરદાર સ્મૃતિ ભવન-વરાછા ખાતે આયોજિત સમારોહમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે દેશની નારીશક્તિમાં અદ્દભુત ક્ષમતા અને પ્રતિભા રહેલી છે. જે માતા-બહેનો કુટુંબને સુયોગ્ય રીતે સાચવી શકે છે

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 05 Oct 2026 10:01 PM (IST)Updated: Mon, 05 Oct 2026 10:01 PM (IST)
unnati-initiative-launched-by-gjepc-in-surat-to-skill-women-in-the-gems-and-jewellery-sector

'Unnati' Initiative:ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળની સંસ્થા જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) દ્વારા જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગમાં મહિલાઓને કુશળ બનાવવા, નેતૃત્વ અને સાહસિકતાને પ્રોત્સાહન પૂરું પાડવાના ઉદ્દેશ્યથી સુરત ખાતે 'ઉન્નતિ' પ્રોજેક્ટનો શુભારંભ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યો હતો.

સરદાર સ્મૃતિ ભવન-વરાછા ખાતે આયોજિત સમારોહમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે દેશની નારીશક્તિમાં અદ્દભુત ક્ષમતા અને પ્રતિભા રહેલી છે. જે માતા-બહેનો કુટુંબને સુયોગ્ય રીતે સાચવી શકે છે, તે અનેક કંપનીઓ અને સંસ્થાઓનું સફળ સંચાલન કરવાની પણ તાકાત ધરાવે છે. GJEPC દ્વારા સુરતથી શરૂ થયેલી 'ઉન્નતિ' પહેલ મહિલાઓને આત્મનિર્ભર બનાવશે. જીવનમાં સફળતા મળે ત્યારે જમીન સાથે જોડાયેલા રહીને આગળ વધવું જોઈએ તેમ જણાવી તેમણે રાજયના આર્થિક વિકાસમાં યોગદાન આપનાર સફળ મહિલાઓના યોગદાનને બિરદાવ્યું હતું.

હીરા ઉદ્યોગમાં મંદી અને તેજીના દોર વચ્ચે પણ વેપારીઓ દ્વારા પોતાના કારીગરો અને તેમના પરિવારોની હંમેશા ચિંતા કરવામાં આવી છે તેમ જણાવી હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું કે, કોરોના કે અન્ય આપત્તિઓ વખતે પણ હીરા ઉદ્યોગના આગેવાનોએ કારીગરોની પડખે રહીને માનવતાનો પરિચય આપ્યો છે. લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગના આગમનથી કારીગરોની આવકમાં મોટો વધારો થયો છે, જે તેમના પરિવારના સામાજિક ઉત્થાનમાં સીધી મદદરૂપ બની રહી છે.

નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, મહિલાઓની બારીકાઈથી કામ કરવાની કુશળતા અને ફોકસ ઉત્કૃષ્ટ હોય છે, તેથી ઉદ્યોગોમાં તેમની ભાગીદારી વધવી અનિવાર્ય છે. સુરત અને આસપાસના ઔદ્યોગિક કોરિડોર બાદ હવે આદિવાસી અને પલસાણાથી સોનગઢ સુધીના ગ્રામીણ વિસ્તારોમાં કારખાનાઓ અને રોજગારીની તકોનો વ્યાપ વધારવા સરકાર પ્રયત્નશીલ છે. ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોની મહિલાઓને કૌશલ્ય તાલીમ આપી રોજગારી પૂરી પાડવા રાજ્ય સરકાર વધુ નારીલક્ષી યોજનાઓ અમલી બનાવશે.

જીજેઈપીસી સહિતના ઉદ્યોગ મંડળોના ઉત્તમ અભિગમને બિરદાવતા હર્ષ સંઘવીએ રાજ્ય સરકાર હીરા ઉદ્યોગ અને મહિલાલક્ષી નવા પ્રોજેક્ટ્સ માટે તમામ જરૂરી યોજનાઓ અને સહયોગ પૂરો પાડવા માટે તત્પર હોવાનું સ્પષ્ટપણે જણાવ્યું હતું. ઉન્નતિ પહેલને બિરદાવતા તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત @ ૨૦૪૭'ના વિઝનમાં નારીશક્તિ કેન્દ્રસ્થાને છે. આ પહેલથી રત્ન અને જ્વેલરી ક્ષેત્રે કાર્યરત મહિલાઓ માટે ભવિષ્યમાં નવી તકોના દ્વાર ખૂલશે અને તેઓ ઉદ્યોગના વિકાસમાં વધુ સક્રિય યોગદાન આપી શકશે. ૧,૦૦૦ મહિલાઓથી શરૂ થયેલું આ મિશન આવનારા વર્ષમાં ૧૦,૦૦૦થી વધુ મહિલાઓ સુધી પહોંચે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાએ યુવા મહિલા સાહસિકોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, મહિલાઓએ જોખમ ઉઠાવીને પોતાનો નવો વ્યવસાય શરૂ કરવા આગળ આવવું જોઈએ. જેમ્સ અને જ્વેલરી ક્ષેત્રમાં અપાર તકો રહેલી છે અને તેમાં નેતૃત્વ ક્ષમતા ધરાવતી મહિલાઓની વિશેષ જરૂરિયાત છે. આ ક્ષેત્રમાં મહત્તમ મહિલાઓ જોડાય, સફળ નેતૃત્વ અને રોજગારીનું સર્જન કરે તેમજ સમાજમાં સકારાત્મક યોગદાન આપવા આગળ આવે તેવો ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.

GJEPCના ચેરમેન કિરીટ ભણસાલીએ કહ્યું કે, ભારતના જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રને વર્ષ ૨૦૪૦ સુધીમાં ૧૦૦ બિલિયન ડોલરના નિકાસ સ્તરે પહોંચાડવામાં મહિલાઓની ભાગીદારી નિર્ણાયક સાબિત થશે. તેમણે GJEPC દ્વારા ‘રત્નકલાકાર પરિચય કાર્ડ’ યોજના હેઠળ ૧,૦૦૦ મહિલા રત્નકલાકારોને રૂ.૧ લાખ સુધીનું મફત તબીબી વીમા કવચ અને પરિચય કાર્ડ આપવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત, મિશનના પ્રથમ તબક્કામાં ૨૦૦થી વધુ મહિલાઓને જ્વેલરી ડિઝાઇનિંગ (CAD), ડાયમંડ પ્લાનિંગ, પોલિશિંગ અને રિટેલ સેલ્સ જેવા વિવિધ કૌશલ્ય વર્ધન કોર્સમાં નોંધણી કરાવવામાં આવશે.