Surat News: હત્યાના ગુનામાં 30 વર્ષથી નાસ્તો ફરતો આરોપી ઓરિસ્સાથી ઝડપાયો, ભાગેલા અન્ય 2 સાથીદારોના મોતની પુષ્ટિ

સુરતના સચિન પોલીસ મથકમાં 1996માં નોંધાયેલા હત્યાના ગુનામાં છેલ્લા 30 વર્ષથી નાસતા ફરતા આરોપી ચંદર અનંત દલાઈને પીસીબી પોલીસે ઓરિસ્સાથી ઝડપી પાડ્યો છે. આ ગુનામાં કુલ 7 આરોપીઓ સંડોવાયેલા હતા, જેમાંથી 4 અગાઉ પકડાયા હતા અને બાકીના 2 સાથીદારોના મોત થયાની પુષ્ટિ થઈ છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 05 Oct 2026 10:12 PM (IST)Updated: Mon, 05 Oct 2026 10:12 PM (IST)
accused-wanted-for-murder-for-30-years-nabbed-in-odisha-deaths-of-two-other-fugitive-accomplices-confirmed

Surat News:સુરતના સચિન પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાના ગુનામાં છેલ્લા 30 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પીસીબી પોલીસે ઓરિસ્સાથી ઝડપી પાડ્યો છે. વર્ષ 1996 માં સુરતના સચિન વિસ્તારમાં એક યુવકની હત્યા કરવામાં આવી હતી. આ ગુનામાં કુલ 7 આરોપીઓ સંડોવાયેલા હતા જે પૈકી અગાઉ 4 આરોપીઓ પકડાઈ ગયા હતા જ્યારે નાસ્તા ફરતા 3 આરોપીઓ પૈકી એક પકડાઈ ગયો છે અને બે આરોપીઓના મોત થઈ ચૂક્યા છે.

મળતી માહિતી મુજબ, સુરતના સચિન પોલીસ મથકમાં વર્ષ 1996માં નોંધાયેલા હત્યાના ગુનામાં સંડોવાયેલો એક આરોપી ચંદર અનંત દલાઈ છેલ્લા 30 વર્ષથી નાસ્તો ફરતો હતો. આ આરોપીને પકડવા માટે સુરત પીસીબી પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસને તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે આરોપી ચંદર અનંત દલાઈ હાલમાં ઓરિસ્સાના ગંજામ જિલ્લાના ફ્લેશ્વરપલ્લી ગામ ખાતે રહે છે, માહિતીના આધારે પીસીબી પોલીસની એક ટીમ ત્યાં રવાના થઇ હતી અને ત્યાંથી આરોપી ચંદર અનંત દલાઈ [ઉ.૬૬] ને ઝડપી પાડ્યો હતો.

પોલીસે આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે આરોપી વર્ષ ૧૯૯૬માં પોતે તથા તેના ૬ મિત્રોનો સચિન જીઆઈડીસી બાગ્લાદેશ ઝૂપડપટ્ટી ખાતે ફરીયાદી ચુનીલાલ કોરાટ તથા દીનેશ્વર પાલ સાથે ઝઘડો થયો હતો જે ઝઘડામાં તેઓએ તલવાર તથા છરી વડે તેઓ ઉપર હુમલો કરતા દીનેશ્વર પાલનું મોત થયું હતું. જે ગુનામાં હાલમાં પકડાયેલા આરોપીને પોલીસ શોધતી હતી જેથી પોલીસની ધરપકડ થી બચવા માટે અલગ અલગ રાજ્યમાં રહી છૂટક મજુરી કામ કરતો હતો.

વધુમાં પોલીસના જણાવ્યા મુજબ આ ગુનામાં કુલ ૭ આરોપીઓ સંડોવાયેલા હતા જે પૈકી અગાઉ ૪ આરોપીઓની ધરપકડ થઇ ગયી હતી અને ત્રણ આરોપીઓ નાસ્તા ફરતા હતા જેમાં હાલમાં ૩૦ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે તેમજ બે આરોપી કાલીયા મોહન ગૌડ તથા ઉપેન્દ્ર ગંગાધર દલાઈ મૃત્યુ પામ્યા છે જેના પુરાવા પણ પોલીસે મેળવ્યા હતા.

હાલમાં પકડાયેલા આરોપીનો કબજો સચિન પોલીસને સોપવામાં આવ્યો છે. સુરત પીસીબી પોલીસે છેલ્લા સાડા ત્રણ વર્ષમાં ૧૦ વર્ષથી વધુ સમયથી ગંભીર ગુનામાં નાસ્તા ફરતા કુલ ૫૭ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે.