Vande Bharat Train Stone Pelting: રાજસ્થાનના ઉદયપુરથી સુરત આવતી હાઇ-સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર તાજેતરમાં થયેલા પથ્થરમારાના ચકચારી કેસમાં રેલવે સુરક્ષા દળ (RPF) દ્વારા 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓની પૂછપરછમાં તેઓએ મસ્તી ખાતર ટ્રેન પર પથ્થર ફેંક્યા હોવાની કબૂલાત કરી હતી.
વંદે ભારત ટ્રેન પર પથ્થર મારો
ઘટનાની વિગતો મુજબ, રાજસ્થાનના ઉદયપુરથી સુરત આવી રહેલી ટ્રેન નંબર 26904 વંદે ભારત એક્સપ્રેસ જ્યારે ઉતરાણ અને સુરત સ્ટેશન વચ્ચેથી પસાર થઈ રહી હતી, તે દરમિયાન અચાનક પૂર્વ દિશા તરફથી અસામાજિક તત્વોએ ટ્રેન પર પથ્થરમારો શરૂ કર્યો હતો. આ હુમલામાં ટ્રેનના કોચ નંબર સી-6 ની સીટ નંબર 40, 41, 42 તેમજ 60, 61, 62 પાસે આવેલી બારીઓના બે કાચ અને પેન્ટ્રી કાર તરફનો એક કાચ મળી કુલ ત્રણ કાચ તૂટી ગયા હતા.
RPFનો કાફલો ઘટના સ્થળે
જોકે, સદનસીબે આ ગંભીર ઘટનામાં કોઈપણ મુસાફર કે રેલવે કર્મચારીને ઈજા પહોંચી ન હતી. મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનના કંટ્રોલ રૂમ દ્વારા રાત્રે 11:29 વાગ્યે સુરત RPF પોસ્ટને આ ઘટના અંગેનો મેસેજ મળતા જ તંત્ર હરકતમાં આવી ગયું હતું. સુરત RPF પોસ્ટના ઇન્સ્પેક્ટર દિનેશ યાદવ, સબ ઇન્સ્પેક્ટર અમિત કુમાર અને એએસઆઈ પ્રેમસિંહ હાડા સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો.
ત્રણ યુવકોની અટકાયત કરી
ટ્રેન એસ્કોર્ટ પાર્ટીના ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ શિવનારાયણ સિંહ સાથે મળીને સુરત યાર્ડ અને તાપી નદીના પટ વિસ્તારમાં રાત્રે જ સઘન કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. રેલવે ટ્રેક આસપાસની ઝાડીઓમાં પણ આરોપીઓની શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ રાત્રે કોઈ સગડ મળ્યા ન હતા. આ કેસને ગંભીરતાથી લઈને ઇન્સ્પેક્ટર દિનેશ યાદવે અલગ-અલગ ટીમો બનાવીને રેલવે ટ્રેક આસપાસના સીસીટીવી કેમેરા અને ટ્રેનના ફૂટેજની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. ટેક્નોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી શંકાસ્પદ હિલચાલ પકડાતા ત્રણેય યુવકોની ઓળખ થઈ ગઈ હતી, જેને પગલે RPFએ તેમને દબોચી લીધા હતા.
ત્રણેય યુવકો બિહારના વતની
પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં ગોલુ કુમાર ચૌધરી (ઉંમર 22 વર્ષ), સંદેશ કુમાર (ઉંમર 18 વર્ષ) અને મંતોષ મુખિયા (ઉંમર 18 વર્ષ) હોવાનું બહાર આવ્યું છે. આ ત્રણેય યુવકો મૂળ બિહારના વતની છે અને છેલ્લા બે વર્ષથી રેલવે લાઈન નજીક આવેલી એક ફેક્ટરીમાં રહીને મજૂરી કામ કરતા હતા. પ્રાથમિક પૂછપરછમાં માત્ર આનંદ માટે ટ્રેન પર પથ્થર ફેંક્યા હોવાની કેફિયત આપી હતી. RPF દ્વારા આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
