Surat:બારડોલીમાં પ્રેમ સંબંધમાં તાલિબાની સજા; યુવતીના પરિવારે યુવકના ભાઈ-બહેન અને માતાને જાહેરમાં માર્યા, થાંભલા સાથે બાંધ્યા

બે અલગ અલગ સમાજના યુવક-યુવતી પ્રેમ સંબંધમાં હતા, અને બાદમાં ભાગી ગયા હતા. જે બાદ આ સમગ્ર બનાવ બન્યો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 06 Feb 2026 09:21 AM (IST)Updated: Fri, 06 Feb 2026 09:21 AM (IST)
taliban-punished-for-love-affair-girls-family-publicly-beat-boys-family-in-bardoli
HIGHLIGHTS
  • બારડોલીમાં પ્રેમ સંબંધમાં તાલિબાની સજાનો મામલો
  • યુવતીના પરિવારે યુવકના પરિવારને જાહેરમાં માર માર્યો  
  • કેસમાં 13 લોકો સામે ગુનો નોંધી પોલીસે રાઉન્ડઅપ કર્યા

Surat Crime News: બારડોલી તાલુકાના મસાડ ગામે પ્રેમ પ્રકરણમાં તાલિબાની સજા અપાઈ હોવાની ચકચારી ઘટના સામે આવી છે. અહીં એક યુવકના નિર્દોષ પરિવારને યુવતીના પરિવારે શરમજનક સ્થિતિમાં મૂક્યા હતા. યુવતીના પરિવારે યુવકના માતા, બહેન અને ભાઈને ઘરમાં ઘૂસીને માર માર્યો હતો. ત્યારબાદ આખા ગામમાં ફેરવી જાહેરમાં થાંભલા સાથે બાંધી દીધા હતા.

બે અલગ સમાજના યુવક-યુવતી વચ્ચે પ્રેમ સંબંધ

આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર મસાડ ગામમાં રહેતા એક આદિવાસી સમાજના પરિવારને કેટલાક લોકોએ ઘરમાં ઘૂસીને માર માર્યો હતો. આ મામલે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર, ભોગ બનેલા પરિવારના દીકરાને અન્ય સમાજની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. તાજેતરમાં જ આ પ્રેમી યુગલ ઘરેથી ભાગી ગયા હતા. જોકે, આ વાતની જાણ થતા જ યુવતીના પરિવારજનો ઉશ્કેરાઈ ગયા હતા. 

રોષે ભરેલા યુવતીના પરિવારે કર્યો હુમલો

યુવતીના પરિવારના 6 થી 7 લોકો ઘાતક હથિયારો સાથે બદલો લેવા યુવકના ઘરે ત્રાટક્યા હતા. યુવતી સાથે ભાગી જનાર યુવકના ઘરમાં તેનો ભાઈ, બહેન અને માતા હતા. હુમલાખોરોએ કોઈ પણ વાત સાંભળ્યા વગર સીધા ઘરમાં ઘૂસીને હુમલો કર્યો હતો. યુવક જેનિશ, તેની માતા અને તેની બહેનને ઢોર માર માર્યો હતો.

થાંભલા સાથે બાંધી જાહેરમાં ફટકાર્યા

જોકે, આ બધું અહીં જ અટક્યું નહીં. હુમલાખોરો ભાઈ-બહેન અને માતાને ખેંચીને ગામના ચોરા સુધી લઈ ગયા હતા. અહીં ત્રણેયને ઝાડ અને થાંભલા સાથે દોરડાથી બાંધી દેવામાં આવ્યા અને આખા ગામની વચ્ચે તેમને ફટકારવામાં આવ્યા હતા. આથી વધુ આ સમગ્ર બનાવનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો.

સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ

માનવતાને શર્મસાર કરતી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કેટલાક લોકો દ્વારા એક પરિવારને જાહેરમાં અપમાનિત કરી માર મારવામાં આવી રહ્યો છે. આ હુમલામાં યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

13 લોકો સામે ગુનો, રાઉન્ડ અપ કર્યા

આ બનાવ અંગે ASP અક્ષય સિંહજીયાએ જણાવ્યું કે, યુવક-યુવતી ભાગી ગયા હતા. આ મુદ્દે યુવતીના ઘરવાળાઓએ આવેશમાં આવીને યુવકના ઘરવાળાઓ પર હિંસક કૃત્ય આચર્યું છે. આ મામલે રાયોટિંગ અને એટ્રોસીટી એક્ટની સેક્શન 3 ની કલમ મુજબ 13 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ 13 લોકોને પોલીસે રાઉન્ડઅપ કરી લીધા છે અને તેમની ધરપકડની કાર્યવાહી ચાલુ છે. SC/ST સેલ DySP ચિરાગ વડોદરીયા તપાસ કરી રહ્યા છે.

આદિવાસી સમાજમાં બનાવને લઈને આક્રોશ

આ મામલે આદિવાસી સમાજના અગ્રણી ભીખુ હળપતિએ જણાવ્યું કે, "નિર્દોષ મહિલાઓ અને યુવક પર થયેલો અત્યાચાર ક્યારેય ચલાવી લેવામાં આવશે નહીં. આરોપીઓ સામે એટ્રોસીટી એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવે. જો ન્યાય નહીં મળે તો બારડોલી પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવામાં આવશે. જરૂર પડ્યે બારડોલી બંધનું એલાન પણ આપવામાં આવશે.