દિવાળીમાં સુરત એસ.ટી. વિભાગની બમ્પર કમાણી, 69 હજારથી વધુ મુસાફરો વતન પહોંચતા રૂ. 2.60 કરોડની આવક થઈ

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Fri, 20 Nov 2026 08:38 PM (IST)Updated: Fri, 20 Nov 2026 08:38 PM (IST)
suratstdivisionearns260crorefromdiwaliextrabusesover69000passengerstravel

Surat ST Diwali Bus: દિવાળીનો તહેવાર આવે એટલે સુરતમાં રોજગારી અર્થે સ્થાયી થયેલા લાખો સૌરાષ્ટ્રવાસીઓ અને પંચમહાલના પરિવારોને પોતાના માદરે વતન જવાની તાલાવેલી જાગે છે. તહેવારોની આ ભીડમાં મુસાફરો ખાનગી બસોના ઉઘાડા લૂંટ જેવા ભાડાથી બચી શકે તે માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા સુરતથી ખાસ એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત એસ.ટી. વિભાગની આ કામગીરીને મુસાફરો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે અને વિભાગને માત્ર પાંચ જ દિવસમાં રૂ. 2.60 કરોડની બમ્પર આવક થઈ છે.

1361 એક્સ્ટ્રા ટ્રીપો દ્વારા 5.31 લાખ કિમીની મુસાફરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ સુરત એસ.ટી. વિભાગ દ્વારા તારીખ 4 થી 7 નવેમ્બર દરમિયાન 1,300થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરાયું હતું. જેમાં કુલ 1,361 એક્સ્ટ્રા ટ્રીપો મારફતે બસોએ 5,31,449 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. સુરતના 69,162 મુસાફરોએ પોષણક્ષમ ભાડામાં પરિવાર સાથે સુરક્ષિત અને સમયસર વતન પહોંચીને દિવાળીની ઉજવણી કરી હતી. ખાસ કરીને તારીખ 7 નવેમ્બરના અંતિમ દિવસે જ 260 ટ્રીપો દ્વારા 11,954 મુસાફરો વતન રવાના થયા હતા, જેના કારણે દૈનિક એડવાન્સ બુકિંગમાં પણ ગત માસની સરખામણીએ 18 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

naidunia_image

કયા રૂટ પર કેટલી એક્સ્ટ્રા બસો દોડાવાઈ?

સુરત એસ.ટી. વિભાગીય નિયામક પી.વી. ગુર્જરે વિગતો આપતા જણાવ્યું હતું કે, સુરતમાં મોટી સંખ્યામાં વસતા ભાવનગર, અમરેલી અને જૂનાગઢ જિલ્લાના રત્નકલાકારો તેમજ પંચમહાલ, ઉત્તર ગુજરાત અને મહારાષ્ટ્ર તરફ જતા મુસાફરોની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા ગોઠવાઈ હતી. સુરતથી વિવિધ શહેરો માટે દોડાવાયેલી મુખ્ય ટ્રીપોના આંકડા જોઈએ તો-

  • ઝાલોદ: 260 ટ્રીપ (અને રામનગર-અડાજણથી ઝાલોદની 91 ટ્રીપ)
  • દાહોદ: 177 ટ્રીપ
  • અમરેલી: 124 ટ્રીપ
  • મહુવા: 86 ટ્રીપ
  • ગારીયાધાર: 65 ટ્રીપ
  • સાવરકુંડલા: 60 ટ્રીપ
  • જૂનાગઢ: 49 ટ્રીપ
  • ભાવનગર: 41 ટ્રીપ
  • ઉના: 17 ટ્રીપ
  • રાજકોટ: 3 ટ્રીપ
naidunia_image

‘એસ.ટી. આપના દ્વારે’ યોજનાને મળ્યો બહોળો પ્રતિસાદ

આ વર્ષે પણ આખી બસનું ગ્રૂપ બુકિંગ કરાવનાર મુસાફરો માટે ‘એસ.ટી. આપના દ્વારે’ યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ હતી. આ યોજના હેઠળ મુસાફરોને સીધા તેમની સોસાયટીથી જ બસમાં બેસાડીને તેમના વતનના ગામ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. ગ્રૂપ બુકિંગની 147 ટ્રીપો દ્વારા બસોએ 67,813 કિમીનું અંતર કાપી 7,644 મુસાફરોને વતન પહોંચાડ્યા હતા, જેનાથી એસ.ટી. તંત્રને રૂ. 34,26,072ની વધારાની આવક થઈ છે.