સુરતના 14 વર્ષના છોકરાનો વિદેશમાં ડંકો! અદાણી ગ્રુપના સપોર્ટથી મંગોલિયા અને ઉઝબેકિસ્તાનમાં જીત્યા મેડલ

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 07 Sep 2026 08:24 PM (IST)Updated: Mon, 07 Sep 2026 08:24 PM (IST)
surats-vivan-dave-shines-in-global-table-tennis-tournaments

Vivan Dave: સુરતના માત્ર 14 વર્ષના ટેબલ ટેનિસ ખેલાડી વિવાન રશેષ દવેએ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. તેણે મંગોલિયામાં યોજાયેલી વર્લ્ડ ટેબલ ટેનિસ (WTT) યુથ કન્ટેન્ડર 2026માં અંડર-15 બોયઝ સિંગલ્સમાં સિલ્વર મેડલ અને ત્યારબાદ ઉઝબેકિસ્તાનના તાશ્કંદ ખાતે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે.

અદાણી હઝીરા પોર્ટ લિમિટેડનો મહત્વપૂર્ણ સહયોગ

યુવા અને ઉભરતા રમતવીરો માટે વિદેશ પ્રવાસ, તાલીમ અને આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ્સનો ખર્ચ એક મોટો પડકાર હોય છે. વિવાનની આ આંતરરાષ્ટ્રીય સફળતા પાછળ અદાણી જૂથની કંપની અદાણી હઝીરા પોર્ટ લિમિટેડ (AHPL) દ્વારા મળેલ નાણાકીય સહાય મહત્વપૂર્ણ રહી છે. આ આર્થિક ટેકાને કારણે વિવાનને વિદેશમાં રમીને મહત્વના રેન્કિંગ પોઈન્ટ્સ મેળવવાની અને વિશ્વસ્તરીય અનુભવ મેળવવાની તક મળી છે.

અત્યાર સુધીની સફર અને સિદ્ધિઓ

નાની વયે શરૂઆત: ધોરણ-9માં અભ્યાસ કરતા વિવાને માત્ર છ વર્ષની ઉંમરે ટેબલ ટેનિસ રમવાની શરૂઆત કરી હતી.

રાષ્ટ્રીય ચેમ્પિયન: 2025માં ગાંધીધામ ખાતે યોજાયેલી અંડર-15 નેશનલ ચેમ્પિયનશિપમાં તેણે વ્યક્તિગત ખિતાબ જીત્યો હતો. આ સાથે તેણે ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ અને ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

ઓલ ઈન્ડિયા રેન્કિંગ: રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શનના આધારે વિવાન હાલમાં ભારતની અંડર-15 કેટેગરીમાં બીજા ક્રમે છે.

અભ્યાસ સાથે તાલીમ: વિવાન હાલમાં હૈદરાબાદ ખાતે હોસ્ટેલમાં રહીને અભ્યાસની સાથે વ્યાવસાયિક ટેબલ ટેનિસ કોચિંગ મેળવી રહ્યો છે.

વિવાન દવેનું આ પ્રદર્શન ભારતીય ટેબલ ટેનિસ ક્ષેત્રે ગુજરાતના યુવા ખેલાડીઓની ઉભરતી ક્ષમતા દર્શાવે છે.