સુરતના વરાછા મેઈન રોડ પર એમ્બ્રોઈડરી મશીનોથી ભરેલું કન્ટેનર પલટ્યું, મોટી દુર્ઘટના ટળી

સુરતના વરાછા મેઈન રોડ પર ચીકુવાડી બ્રિજ નજીક એમ્બ્રોઈડરી મશીનરી ભરેલું કન્ટેનર પલટી ગયું. અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 28 Oct 2026 12:24 PM (IST)Updated: Wed, 28 Oct 2026 12:24 PM (IST)
surat-varachha-main-road-embroidery-machinery-container-overturns-chikuwadi-bridge

Surat Accident News: સુરત શહેરના વરાછા મેઈન રોડ પર ચીકુવાડી બ્રિજ નજીક એમ્બ્રોઈડરી મશીનરી ભરેલું કન્ટેનર પલટી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી અને ડ્રાઈવર સહિત અન્ય લોકોનો આબાદ બચાવ થયો હતો.

કન્ટેનર રસ્તા પર પલટી ગયું

પ્રાથમિક વિગતો મુજબ, સુરતમાં સતત ધમધમતા વરાછા મેઈન રોડ પર ચીકુવાડી બ્રિજ નજીક આ ઘટના બની હતી. કન્ટેનરમાં એમ્બ્રોઈડરીનાં મશીનો ભરીને લઈ જવામાં આવી રહ્યાં હતાં. કન્ટેનર અંદરથી યોગ્ય રીતે બાંધેલું ન હોવાને કારણે વળાંક અથવા મુવમેન્ટ દરમિયાન મશીનરી અચાનક એક સાઈડ વહી આવી હતી. એક તરફ વજન વધી જવાના કારણે ચાલકે સંતુલન ગુમાવ્યું હતું અને આખું કન્ટેનર રસ્તા પર જ પલટી મારી ગયું હતું.

સદનસીબે મોટી દુર્ઘટના ટળી

વરાછા મેઈન રોડ પર સામાન્ય રીતે વાહનોની ભારે અવરજવર રહેતી હોય છે. આવા વ્યસ્ત માર્ગ પર બનેલી આ ઘટનામાં કન્ટેનરની આસપાસ અન્ય વાહનો કે રાહદારીઓ ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. જો તે સમયે નજીકમાં અન્ય વાહનો હોત, તો ગંભીર અકસ્માત સર્જાવાની શક્યતા હતી.

ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થવા પામી ન હતી.