સુરત અને કરજણની 4 પેઢીઓ પર FDCAનો મોટો દરોડો: કરોડોની ગેરકાયદેસર દવાનો જથ્થો સીઝ કરાઈ, પેઢીના વેચાણ પરવાના કાયમી રદ

વડોદરાના કરજણ અને સુરતમાં FDCA અને NCB ના સંયુક્ત દરોડા. કોડીન કફ સિરપ અને ઈ-કોમર્સ પર વેચાતી બનાવટી દવાઓ જપ્ત, 4 પેઢીઓના વેચાણ પરવાના કાયમી ધોરણે રદ કરાયા.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 08 Oct 2026 02:26 PM (IST)Updated: Thu, 08 Oct 2026 02:26 PM (IST)
surat-vadodara-fdca-raid-illegal-medicine-seizure-shop-license-cancelled

FDCA Gujarat Raid: ગુજરાતમાં "નશા-મુક્તિ" અભિયાન અને નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ભાગરૂપે, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની સૂચના તથા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) ના કમિશનરના માર્ગદર્શન હેઠળ વડોદરા અને સુરત જિલ્લામાં ગેરકાયદેસર દવાઓના સંગ્રહ તેમજ વેચાણ સામે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

વડોદરાના કરજણમાં સંયુક્ત દરોડો

આ ઝુંબેશમાં મહારાષ્ટ્ર NCBની ચોક્કસ બાતમીના આધારે વડોદરા જિલ્લાના કરજણ ખાતે આવેલી મેસર્સ ચામુંડા ફાર્મા પર સંયુક્ત દરોડો પાડવામાં આવ્યો હતો. આ તપાસ દરમિયાન NDPS એક્ટ હેઠળ આવતી 'ANREX (Codeine)' કફ સિરપની 13,938 બોટલો જેની અંદાજિત કિંમત રૂ. 27.8 લાખ તથા 'TRAMADOL' ની 12,240 ટેબ્લેટ્સ જેની અંદાજિત કિંમત રૂ. 50 હજારનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ પેઢીને કાયદાના ગંભીર ભંગ બદલ તાત્કાલિક સીલ કરી, ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ હેઠળ પેઢીના વેચાણ પરવાનાઓ -20બી અને 21બી તા. 01 ઓક્ટોબર 2026થી કાયમી ધોરણે રદ કરવામાં આવ્યા છે.

પેઢીના વેચાણ પરવાના રદ કરાયા

આ ઉપરાંત, સદર પેઢી સાથે સંબંધ ધરાવતી કરજણ સ્થિત 'મેસર્સ માજીસા મેડિકલ સ્ટોર્સ' ખાતે પણ તંત્ર દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ત્યાંથી NDPSનો ઘટક ધરાવતી 'LOMOTIL' ટેબ્લેટ્સનો જથ્થો મળી આવ્યો હતો. વધુમાં, સ્થળ પર રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટની ગેરહાજરી તથા નિયત તાપમાન જાળવવા માટેનું ફ્રિજ બંધ હાલતમાં હોવા સહિતની ગંભીર ક્ષતિઓ સામે આવી હતી. આ ઉલ્લંઘન બદલ કારણ દર્શક નોટિસ પાઠવીને પેઢીના છૂટક દવાનો વેચાણ કરવાના પરવાનાઓ તા. 05 ઓક્ટોબર 2026થી કાયમી ધોરણે રદ કરવામાં આવ્યા છે.

દવાના ગેરકાયદેસર વેચાણ સામે પગલાં

ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ઓનલાઇન પ્લેટફોર્મ પર 'Sildenafil Citrate' જે પુરુષોમાં જાતીય પ્રવૃત્તિ અને ઉત્તેજના વધારવાના ઉપયોગમાં વપરાય છે. જે વાયગ્રા, પેનેગ્રા, કેવર્ટા વગેરે બ્રાન્ડના નામથી ઓળખવામાં આવે છે. એવી દવાઓનું ગેરકાયદેસર વેચાણ કરતી પેઢીઓ સામે પણ આકરાં પગલાં લેવામાં માટેની સૂચના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા દ્વારા આપવામાં આવી હતી.

આ ઝુંબેશ અંતર્ગત સુરતના વરાછા સ્થિત 'મેસર્સ ડર્મેટીક્સ ઇન્ડિયા' ખાતે તારીખ 01 ઓક્ટોબર 2026ના રોજ દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન આ પેઢી કોઈપણ માન્ય ડ્રગ લાઇસન્સ વિના પોતાની વેબસાઇટ મારફતે દવાઓનું વેચાણ કરતી હોવાનું સામે આવ્યું હતું. સ્થળ પરથી Sildenafil, Minoxidil અને Ketoconazole જેવી દવાઓનો રૂ. 11.26 લાખથી વધુની કિંમતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ દવાઓના નમૂના સરકારી લેબોરેટરી -FDL, વડોદરા ખાતે પૃથક્કરણ માટે મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કોર્ટ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

સુરતના મોટા વરાછામાં મોટો ખુલાસો

આ ઉપરાંત, સુરતના મોટા વરાછા સ્થિત 'મેસર્સ ક્યારા ઇન્ટરનેશનલ' ખાતે તા. 03 ઓક્ટોબર 2026ના રોજ કરાયેલી તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ પેઢી દ્વારા 'Meesho' જેવા ઓનલાઇન પ્લેટફોર્મ પર "Sildenafil Ayurvedic" ના ખોટા નામે છેલ્લા એક જ મહિનામાં આશરે રૂ. 3.60 લાખની એલોપેથિક દવાઓનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવ્યું હોવાના ડિજિટલ પુરાવા મળી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ આ જ વ્યક્તિ સામે પરવાના વિના દવાનો સંગ્રહ કરવા બદલ લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આથી, તેને 'પુનરાવર્તિત ગુનો' ગણીને 'ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, 1940' હેઠળ અત્યંત કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ શું કહ્યું?

આ અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, "Meesho જેવા ઓનલાઇન પ્લેટફોર્મ કે પોતાની ખાનગી વેબસાઇટ મારફતે 'આયુર્વેદિક' ના નામે Sildenafil જેવી એલોપેથિક દવાઓ કે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિનાની દવાઓનું વેચાણ કરવું એ અત્યંત ગંભીર ગુનો છે. આવી ઈ-કોમર્સ વેબસાઇટ્સ પર સિક્રેટ વોચ રાખવા માટે આગામી સમયમાં સાયબર સેલ અને FDCA ની સંયુક્ત ટીમ દ્વારા સતત ડિજિટલ મોનિટરિંગ કરવામાં આવશે.

દવાઓના ગેરકાયદે વેપાર કરતા તત્વોમાં ફફડાટ

આ અંગે વધુ વિગતો આપતાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, વડોદરા અને સુરત ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA), ગુજરાત પોલીસ તથા NCB દ્વારા કરવામાં આવેલી આ સંયુક્ત અને સુઆયોજિત કામગીરી અત્યંત પ્રશંસનીય છે. માત્ર દંડ કે નોટિસ આપીને છોડી દેવાને બદલે, ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલી પેઢીઓના લાઇસન્સ કાયમી ધોરણે રદ કરવા જેવા આકરાં કાયદાકીય પગલાં લેવાથી ગેરકાયદેસર વેપાર કરતા અસામાજિક તત્વોમાં કડક સંદેશ જશે અને ભયનો માહોલ ઊભો થશે.

કોડીન યુક્ત કફ સિરપ તેમજ અન્ય દવાઓનો યુવાધન દ્વારા નશા તરીકે થતો દુરુપયોગ અટકાવવા માટે કાયદાકીય કડકશાઇ સાથે સમાજમાં વ્યાપક જાગૃતિ અભિયાન ચલાવવું અત્યંત જરૂરી છે. આ દિશામાં નક્કર કામગીરી કરવા માટે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા દ્વારા સંબંધિત તંત્ર અને અધિકારીઓને 'માઇક્રો પ્લાનિંગ' કરવાની ખાસ સૂચના આપવામાં આવી હતી.

યુવાધનને નશાથી બચાવવા સરકાર કટિબદ્ધ

આ ઉપરાંત આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્યના યુવાધનને નશાની લત અને પ્રવૃત્તિઓથી બચાવવા માટે સરકાર કટિબદ્ધ છે. નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરનાર કોઈપણ અસામાજિક તત્વ કે સંસ્થાને બક્ષવામાં આવશે નહીં. ઈ-કોમર્સ પ્લેટફોર્મ મારફતે ઓનલાઈન કે પછી ભૌતિક સ્ટોર્સ દ્વારા ગેરકાયદેસર રીતે દવાઓનું વેચાણ કરનારાઓ સામે તંત્ર દ્વારા ભવિષ્યમાં પણ આવી જ રીતે સઘન ચેકિંગ અને કડકમાં કડક કાર્યવાહી ચાલુ રહેશે.