Ahmedabad Shocking CCTV: અમદાવાદમાં પત્ની સાથે મિત્રતા કરનારને યુવકને દોડાવી-દોડાવીને 22 ફટકા માર્યા

યુવક યાસર અને તેનો મિત્ર યાસીન કારખાનામાં હાજર હતા એ સમયે આરોપીઓ અચાનક અંદર ઘૂસી ગયા હતા અને સીધા યાસર પર લાકડાના દંડાથી તૂટી પડ્યા હતા. યાસરને કારખાનાની બહાર રસ્તા પર ખેંચી લાવ્યા હતા અને ઢોર માર માર્યો હતો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 08 Oct 2026 03:43 PM (IST)Updated: Thu, 08 Oct 2026 03:54 PM (IST)
man-attacked-with-wooden-sticks-in-danilimda-ahmedabad-2-arrested-after-cctv-goes-viral

Ahmedabad Assault Video: અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં પત્ની સાથેની મિત્રતાની અદાવતમાં એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આરોપી પતિ પોતાના સાથીદારો સાથે કપડામાં લાકડાના ધોકા સંતાડીને પહોંચ્યો હતો અને યુવકને કારખાનામાંથી બહાર ખેંચી લાવી રસ્તા પર દોડાવી-દોડાવીને 22થી વધુ ફટકા માર્યા હતા. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. ભોગ બનનાર યુવકની ફરિયાદના આધારે દાણીલીમડા પોલીસે ગુનો નોંધીને બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

બન્ને પરિવારો વચ્ચે 15 દિવસ પહેલા ઝઘડો થયો હતો

પ્રાપ્ત વિગતો અનુસાર, જમાલપુરના નવા ડુંગરપુર વિસ્તારમાં રહેતા 35 વર્ષીય યાસર મહંમદહનીફ લેલી પોતાનું કારખાનું ચલાવે છે. યાસરને થોડા સમય પહેલા તેના ઘર સામે રહેતી એક મહિલા સાથે મિત્રતા થઈ હતી. આ બાબતની જાણ મહિલાના પરિવારને થઇ હતી. બન્ને પરિવારો વચ્ચે આશરે 15 દિવસ પહેલા મોટો ઝઘડો પણ થયો હતો. જોકે, તે સમયે સમાજના આગેવાનોએ વચ્ચે પડીને સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો અને બંને પક્ષે સમાધાન કરાવી આપ્યું હતું. પરંતુ મહિલાનો પતિ મોઈન આ વાતની અદાવત મનમાં રાખીને બેઠો હતો.

કારખાનાની બહાર રસ્તા પર ખેંચી લાવ્યા હતા અને ઢોર માર માર્યો

ગત 6 ઓક્ટોબરના રોજ આ અદાવતનો બદલો લેવા માટે મોઈન એક સગીર સહિત કુલ ચાર શખસો સાથે દાણીલીમડાના સિકંદર માર્કેટ પાસે આવેલા યાસરના કારખાને પહોંચ્યો હતો. હુમલાખોરોએ પોલીસ કે લોકોના હાથે પકડાઈ ન જવાય તે માટે લાકડાના દંડા કપડામાં સંતાડી રાખ્યા હતા. યુવક યાસર અને તેનો મિત્ર યાસીન કારખાનામાં હાજર હતા એ સમયે આરોપીઓ અચાનક અંદર ઘૂસી ગયા હતા અને સીધા યાસર પર લાકડાના દંડાથી તૂટી પડ્યા હતા. યાસરને કારખાનાની બહાર રસ્તા પર ખેંચી લાવ્યા હતા અને ઢોર માર માર્યો હતો.

માથા અને શરીરના ભાગો પર આડેધડ 22થી વધુ ફટકા માર્યા

આરોપીઓએ રસ્તા પર દોડાવી-દોડાવીને યાસરને પગ, માથા અને શરીરના અન્ય ભાગો પર આડેધડ 22થી વધુ ફટકા માર્યા હતા. હુમલા દરમિયાન મોઈને યાસરના માથાના ભાગે લાકડાનો જોરદાર ફટકો મારી દેતા યાસર લોહીલુહાણ હાલતમાં રસ્તા પર જ ઢળી પડ્યો હતો. હુમલાખોરો દ્વારા 'તને હજુ તારા ઘરે આવીને મારીશું' તેવી ધમકી આપવામાં આવી હતી. જોકે, ધોકાવાળી થતાં આસપાસના લોકો બૂમાબૂમ સાંભળીને દોડી આવ્યા હતા, જેને કારણે આરોપીઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. ઈજાગ્રસ્ત યાસરને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

પોલીસે બેની ધરપકડ કરી

હુમલાનો ભોગ બનનાર યુવકે મહિલાના પતિ મોઇન તથા ત્રણ અજાણ્ય શખ્સો વિરુદ્ધ દાણીલીમડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે વધુ માહિતી આપતાં દાણીલીમડા પોલીસ સ્ટેશનના પીઆઈ સી.ટી.દેસાઈએ જણાવ્યું હતું કે, ફરિયાદી યાસર અને આરોપી મોઈનની પત્ની સામસામે રહે છે અને તેમની વચ્ચેની મિત્રતાના કારણે આ ઝઘડો ચાલતો હતો.

મહિલાના પતિ મોઈને પોતાના મિત્ર જાબિર ઈલિયાસ ગાસલેટવાળા તથા એક સગીર અને અન્ય એક શખસ સાથે મળીને યાસર પર હુમલો કર્યો હતો. પોલીસે મુખ્ય આરોપી મોઈન અને ઈલિયાસની ધરપકડ કરી છે. જ્યારે આ હુમલામાં એક આરોપીને પગમાં ઈજા થઈ હોવાથી તે હાલ હોસ્પિટલમાં પોલીસ જાપતા હેઠળ સારવાર મેળવી રહ્યો છે. આ સિવાય ગુનામાં સામેલ સગીર વયના કિશોરની પણ પોલીસે અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.