સુરતમાં છૂટાછેડા અને બીજા લગ્નથી અકળાયેલા પૂર્વ પતિનો ખૂની ખેલ: સાસુ સાથે જતી પત્ની પર તીક્ષ્ણ હથિયારથી હુમલો

સુરતના ઉધનામાં બીજા લગ્નના બીજા જ દિવસે 23 વર્ષીય યુવતી પર પૂર્વ પતિએ ચપ્પુથી હુમલો કર્યો હોવાનો આરોપ છે. હુમલામાં યુવતીના હાથમાં ઈજા થતાં ટાંકા આવ્યા. ઉધના પોલીસ આરોપીને શોધી રહી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 28 Oct 2026 03:24 PM (IST)Updated: Wed, 28 Oct 2026 03:24 PM (IST)
surat-udhna-ex-husband-attacks-wife-with-knife-after-second-marriage

Surat Crime News: સુરતના ઉધના વિસ્તારમાં બીજા લગ્નના બીજા જ દિવસે 23 વર્ષીય યુવતી પર તેના પૂર્વ પતિએ ધારદાર હથિયારથી હુમલો કરવાનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ હતી. યુવતી તેની સાસુ સાથે જઈ રહી હતી ત્યારે પાછળથી આવેલા શખ્સે તેના ગળા પર હુમલો કરવાની કોશિશ કરી હતી. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. હુમલામાં યુવતીના હાથમાં ઈજા થતાં ટાંકા લેવા પડ્યા હતા. હુમલાખોર પૂર્વ પતિ હોવાનું સામે આવતાં પોલીસે તેને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે.

ઘરકંકાસના લીધે યુવતીના છૂટાછેડા

ઉધના વિસ્તારમાં રહેતી 23 વર્ષીય કાજલ મહેશભાઈ દેવીપૂજકનાં પ્રથમ લગ્ન વર્ષ 2023માં સચીન મહેશ દેવીપૂજક સાથે થયા હતા. આ લગ્નજીવન દરમિયાન કાજલને બે વર્ષનો પુત્ર પણ છે. જોકે, પતિ-પત્ની વચ્ચે અવારનવાર થતા ઝઘડા અને ખટરાગના કારણે છૂટાછેડા લઈ લીધા હતા.કાજલે આ છૂટાછેડા બાદ ગત 23 ઓક્ટોબર, 2026ના રોજ ઉધના વિસ્તારમાં જ રહેતા મહેશ દેવીપૂજક સાથે બીજાં લગ્ન કરીને પોતાના નવા સંસારની શરૂઆત કરી હતી.

પહેલા પતિએ પત્ની પર કર્યો જીવલેણ હુમલો

નવા લગ્ન થયાના બીજા જ દિવસે એટલે કે ગત 24મી તારીખે રાત્રે આશરે નવ વાગ્યાના અરસામાં કાજલ પોતાની સાસુ લીલાબેન સાથે નણંદ આશાબેનના ઘરે જવા માટે નીકળી હતી.સાસુ અને વહુ બંને રસ્તામાં વાતો કરતાં આગળ વધી રહ્યા હતા, તે દરમિયાન પાછળથી અચાનક એક શખ્સ ધસી આવ્યો હતો. આ શખ્સે કઈ સમજાય તે પહેલાં જ કાજલના ગળાના ભાગે ધારદાર હથિયાર (ચપ્પુ) વડે હુમલો કર્યો હતો.

લોકો ભેગા થઈ જતાં હુમલાખોર ભાગ્યો

અચાનક થયેલા આ હુમલાથી રસ્તા પર ગભરાટ ફેલાઈ ગયો હતો અને સાસુ તથા આસપાસના લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી. લોકો ભેગા થઈ જતા હુમલાખોર ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ હુમલામાં કાજલનો બચાવ થયો હતો, પરંતુ બચાવવા જતા તેના હાથના ભાગે ગંભીર ઈજા થવાથી ટાંકા આવ્યા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આ જીવલેણ હુમલો કરનાર બીજું કોઈ નહીં પરંતુ યુવતીનો પૂર્વ પતિ જ હતો. ઘટનાને અજાણ આપ્યા બાદ આરોપી પૂર્વ પતિ ફરાર હોય ઉધના પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.