Surat Student Suicide: શહેરના સચિન વિસ્તારમાં પરીક્ષાની તૈયારી કરવા અને મોબાઈલનો ઉપયોગ બંધ કરવા બાબતે માતાએ ઠપકો આપ્યા બાદ ધોરણ 11માં અભ્યાસ કરતા 16 વર્ષના કિશોરે ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વ્હાલસોયા દીકરાએ માતાની વાતનું માઠું લગાવીને આત્મઘાતી પગલું ભરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.
માતાએ પુત્રને ભણવા અંગે ઠપકો આપ્યો
મળતી માહિતી મુજબ, મૂળ ઉતરપ્રદેશના વતની રાજેન્દ્રભાઈ ચૌરસિયા પરિવાર સાથે સુરતના સચિન વિસ્તારમાં રહે છે. તેમનો 16 વર્ષનો દીકરો પીયુષ ધો.11માં અભ્યાસ કરતો હતો અને તેની પરીક્ષા નજીક હતી. તેમ છતાં તે આખો દિવસ માતાના મોબાઈલનો ઉપયોગ કરી રહ્યો હતો. સાંજે આશરે પાંચ વાગ્યે માતાએ તેને મોબાઈલ મૂકીને બીજા દિવસે યોજાનારી પરીક્ષાની તૈયારી કરવા જણાવ્યું હતું. આ અંગે માતા-પુત્ર વચ્ચે વાતચીત થઈ હતી.
પુત્રે ઘરમાં જઈને ગળે ફાંસો ખાધો
પુત્રને ભણવાનું કહીને માતા ઘરની બહાર બેસવા ગઈ હતી, જ્યારે પિતા નોકરી પર ગયા હતા. આ દરમિયાન સાંજે આશરે પોણા સાત વાગ્યે પીયુષ ઘરની અંદર ગયો હતો. ત્યાં તેણે ગળેફાંસો ખાઈ લીધો હતો. ઘટનાની જાણ થતાં પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા અને ઘરમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. નાની ઉંમરે પુત્ર ગુમાવતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
પિતાએ જણાવી ઘટના
પિતા રાજેન્દ્ર ચોરસિયાએ જણાવ્યું હતું કે આ ઘટના ગતરોજ સાંજે પોણા 7 વાગ્યે બની હતી, દીકરો શાળાએ જાય છે. પરંતુ ગતરોજ તેની રજા હતી, તેની પરીક્ષા ચાલી રહી હતી. જેથી તેની મમ્મીએ મોબાઈલ છોડીને ભણવા અંગે ઠપકો આપ્યો હતો. ત્યારે દીકરાએ કહ્યું કે, મને બધું આવડે છે. ત્યારબાદ હું નોકરીએ ગયો. તેની માતા ઘરની બહાર બેઠી હતી. તે અરસામાં દિકરો અંદર ગયોને ફાંસો ખાઈ લીધો.
