સુરતમાં તસ્કરોનો તરખાટ: ડિંડોલી, પાંડેસરા અને ભેસ્તાનમાં બંધ મકાનો-દુકાનને નિશાન બનાવી રૂ. 3.89 લાખની ચોરી

સુરત શહેરના ડિંડોલી, પાંડેસરા અને ભેસ્તાન વિસ્તારમાં તસ્કરોએ બંધ મકાનો અને ટી-સ્ટોલને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના, રોકડ તેમજ સિગારેટ-ગુટખા સહિત કુલ રૂ. 3,89,430ની મત્તા ચોરી ફરાર થઈ ગયા છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 20 Nov 2026 02:35 PM (IST)Updated: Fri, 20 Nov 2026 02:35 PM (IST)
surat-theft-news-dindoli-pandesara-bhestan-3-lakh-89-thousand-stolen-from-houses-and-tea-stall

Surat Theft News: સુરત શહેરમાં તસ્કરોએ બંધ મકાનો અને દુકાનોને નિશાન બનાવી ચોરીની ત્રણ અલગ-અલગ ઘટનાઓને અંજામ આપ્યો છે. ડિંડોલી, પાંડેસરા અને ભેસ્તાન વિસ્તારમાં બનેલી આ ઘટનાઓમાં તસ્કરો સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ, સિગારેટ અને ગુટખા સહિત કુલ રૂ.3,89,430ની મત્તા ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ત્રણેય બનાવોને પગલે સ્થાનિક પોલીસ દ્વારા ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.

ડિંડોલીમાં સ્લાઇડર બારીમાંથી ઘૂસી દાગીનાની ચોરી

ડિંડોલીના સણિયા કણદે રોડ પર આવેલી પ્રયોશા વર્લ્ડ સોસાયટીમાં રહેતાં અને પીપલોદના એક ઇલેક્ટ્રોનિક્સ શોરૂમમાં નોકરી કરતાં મૂળ પશ્ચિમ બંગાળનાં વતની નંદિતા તપનભાઈ ભટ્ટાચાર્ય (ઉં.વ.26)ના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. 20 ઓગસ્ટના રોજ વહેલી સવારે 4:00થી 6:30 વાગ્યાના સમયગાળા દરમિયાન તસ્કરો રસોડાની સ્લાઇડર બારી મારફતે ઘરમાં પ્રવેશ્યા હતા. ત્યારબાદ બેડરૂમમાં રાખેલા કબાટનું લોક તોડી તેમાં રહેલી સોનાની ચેઈન, ગળાનો સેટ, પેન્ડલ, વીંટી, બંગડી, મંગળસૂત્રનું લોકેટ અને બુટ્ટી સહિતના દાગીના ચોરી લીધા હતા. આ ઉપરાંત ચાંદીની પાયલ અને બ્રેસલેટ મળી કુલ 1,98,900ના દાગીના ચોરી ગયા હતા.

પાંડેસરામાં પરિવારની ગેરહાજરીમાં ઘરમાં હાથફેરો

ચોરીનો બીજો બનાવ પાંડેસરાના બમરોલી રોડ પર મિલન પોઈન્ટ નજીક આવેલા ઓમ કોમ્પ્લેક્સમાં સામે આવ્યો છે. અહીં ફ્લેટમાં રહેતા લૂમ્સના વેપારી નીરજભાઈ ગોવિંદભાઈ પટેલ (ઉં.વ.33)ના મકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો. 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન બનેલી આ ઘટનામાં તસ્કરોએ તિજોરીના ખાનામાંથી બે મંગળસૂત્ર, સોનાની ચેઈન, કડલી, બે વીંટી, ચાંદીની પાંચ જોડી પાયલ, લક્ષ્મી-ગણેશજીની ચાંદીની મૂર્તિઓ, પાંચ સિક્કા અને રોકડા રૂ.8,000 મળી કુલ 1,57,930ની મત્તા ચોરાઈ હતી. પિતાની તબિયત અને દિવાળીના તહેવારને કારણે પરિવારજનો વતન ગયા હતા. પરિવાર પરત ફર્યા બાદ ઘરમાં ચોરી થયાની જાણ થતાં ગઈકાલે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ભેસ્તાનમાં અડધું શટર ખોલી ટી-સ્ટોલમાં ચોરી

ત્રીજો બનાવ ભેસ્તાનના આકાશ વિલા રો-હાઉસ વિસ્તારમાં રહેતા ભીરગુસિંહ અરવિંદસિંહ સિંહના 'જય માતાજી ટી-સ્ટોલ'માં બન્યો હતો. 13 નવેમ્બરની રાત્રે 12:30થી બીજા દિવસે સવારે 7:00 વાગ્યા દરમિયાન તસ્કરોએ દુકાનનું અડધું શટર ખોલીને અંદર પ્રવેશ કર્યો હતો. દુકાનમાંથી રૂ.5,000ની કિંમતનાં સિગારેટનાં 55 પેકેટ, રૂ.1,600ની કિંમતનાં ગુટખા-પાન મસાલાનાં 12 પેકેટ ચોરી લીધાં હતાં. આ ઉપરાંત ડ્રોઅરમાં રાખેલા રૂ.6,000 અને એક ડબ્બામાંથી રૂ.17,000 રોકડા પણ તસ્કરો લઈ ગયા હતા. આ બનાવમાં કુલ રૂ.29,600ની મત્તાની ચોરી થઇ છે.