સુરતમાં 17 વર્ષીય યુવકે ધનુર સામેની જંગ જીતી, 28 દિવસ વેન્ટિલેટર પર રહ્યા બાદ નવી સિવિલ હોસ્પિટલના તબીબોએ આપ્યું નવું જીવન

સુરતની નવી સિવિલ હોસ્પિટલના તબીબોની મહેનત રંગ લાવી. પગની ઈજા બાદ ધનુર (ટિટેનસ)નો ભોગ બનેલા 17 વર્ષીય રાહુલે 28 દિવસ ICU વેન્ટિલેટર પર રહ્યા બાદ મેળવ્યું નવું જીવન.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Fri, 23 Oct 2026 02:15 AM (IST)Updated: Fri, 23 Oct 2026 02:15 AM (IST)
surat-teen-recovers-from-tetanus-after-28-days-on-ventilator

Surat Tetanus Treatment: જીવનમાં કેટલીક લડાઈઓ એવી હોય છે, જેમાં જીત મેળવવા માટે દર્દીની હિંમત, પરિવારની આશા અને તબીબોની નિષ્ઠા એકસાથે કામ કરે છે. આવી જ એક પ્રેરણાદાયી ઘટના સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સામે આવી છે, જ્યાં સચિન વિસ્તારમાં રહેતા 17 વર્ષીય રાહુલ કુમારે ધનુર (ટિટેનસ) જેવા ગંભીર રોગ સામે દોઢ મહિના સુધી જંગ લડીને સ્વસ્થતા તરફ આગળ વધવામાં સફળતા મેળવી છે. 28 દિવસ સુધી ICUમાં વેન્ટિલેટર પર રહીને સઘન સારવાર મેળવનાર રાહુલની આ સફર તબીબોની કુશળતા, સમર્પણ અને સતત દેખરેખનું પ્રેરણાદાયી ઉદાહરણ બની છે.

ઇજા બાદ ધનુરના લક્ષણો જણાતાં સ્થિતિ ગંભીર બની

મળતી વિગતો અનુસાર, સુરતના સચિન વિસ્તારમાં રહેતા 17 વર્ષીય રાહુલ કુમારને પગના ભાગે સામાન્ય ઇજા પહોંચી હતી. શરૂઆતમાં પિતા સ્થાનિક ક્લિનિકમાં સારવાર માટે લઈ ગયા હતા. જોકે, થોડા દિવસોમાં ધનુર (ટિટેનસ)ના લક્ષણો દેખાવા લાગ્યા હતા. રાહુલના જડબામાં તીવ્ર જકડાશ (Lockjaw) આવી ગઈ હતી અને તેને ચાલવામાં કે ખોરાક લેવામાં ભારે તકલીફ પડવા લાગી હતી. સ્થિતિ વણસતાં તેને તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

શ્વાસ લેવામાં તકલીફ પડતાં 28 દિવસ વેન્ટિલેટર સપોર્ટ પર રખાયો

ધનુર એક અત્યંત ખતરનાક બેક્ટેરિયલ ચેપ છે, જે શરીરના સ્નાયુઓમાં અસહ્ય ખેંચાણ અને જકડાશ પેદા કરે છે. ગંભીર સ્થિતિમાં શ્વાસનળીના સ્નાયુઓ જકડાઈ જતાં દર્દી માટે શ્વાસ લેવો મુશ્કેલ બની જાય છે. રાહુલની સ્થિતિ પણ નાજુક બનતાં તેને તાત્કાલિક ICUમાં શિફ્ટ કરી 28 દિવસ સુધી વેન્ટિલેટર સપોર્ટ પર રાખવો પડ્યો હતો.

તબીબો અને નર્સિંગ સ્ટાફની અથાગ મહેનત રંગ લાવી

નવી સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના ડૉ. ત્વિષા, ડૉ. વ્રજ તેમજ રેસિડેન્ટ ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફે રાહુલની વિશિષ્ટ કાળજી લીધી હતી. 24 કલાકની સતત દેખરેખ, યોગ્ય એન્ટિબાયોટિક્સ અને સઘન સારવારના પરિણામે રાહુલની તબિયતમાં ધીમે ધીમે સુધારો નોંધાયો હતો.

દોઢ મહિનાની સઘન સારવાર બાદ નવું જીવન મળ્યું

લગભગ દોઢ મહિનાની સતત લડત બાદ રાહુલ હવે સંપૂર્ણપણે ભાનમાં છે અને સ્વસ્થ થઈ રહ્યો છે. 28 દિવસ જેવા લાંબા સમય સુધી વેન્ટિલેટર પર રહ્યા પછી દર્દીનું પૂર્ણપણે સાજા થવું એ નવી સિવિલ હોસ્પિટલના તબીબોની કુશળતા અને સમર્પણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. રાહુલના પરિવારે પણ તબીબી ટીમનો આભાર માન્યો હતો.