Surat News: સુરતમાં જાણે બોગસ તબીબોનો રાફડો ફાટ્યો હોય તેમ 9 બોગસ તબીબો પોલીસના હાથે ઝડપાયા છે. સુરત SOG પોલીસ અને જિલ્લાઆરોગ્યની ટીમે ડિંડોલી વિસ્તારમાં આ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ડમી પેશન્ટ મોકલ્યા બાદ ખાતરી કરીને તમામ સ્થળોએ એક સાથે રેડ કરવા અલગ અલગ ટીમો બનાવી અને 9 બોગસ તબીબોને ઝડપી પાડ્યા છે. રેડ દરમિયાન અલગ અલગ પ્રકારની એલોપેથી દવાઓ, ઈન્જેક્શન, સીરપ અને મેડિકલ સાધનો જપ્ત કરવામાં આવ્યા છે.
- રોહિત પાટીલ ડીંડોલીના નવાગામ સ્થિત માઔલી ક્લિનિક છેલ્લા 3 વર્ષથી ચલાવે છે. તેમજ તે ધોરણ 12 પાસ છે, અગાઉ તેણે કમ્પાઉન્ડર તરીકે 2 વર્ષ નોકરી કરી. તે રોજ 1 હજારથી 1500 રૂપિયા કમાતો હતો. આ ઉપરાંત વર્ષ 2024 માં ઔરંગાબાદ મહારાષ્ટ્રમાં નકલી પ્રેગ્નન્સી દવા વેચવામાં પણ પકડાયો હતો.
- પરમાનંદ અલગુ પટેલ નવાગામ આરડી નગર ખાતે મનીષા ક્લિનિક છેલ્લા 5 વર્ષથી ચલાવે છે અને ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે. તે રોજના 1 હજારથી 1500 રૂપિયા કમાય છે. અગાઉ તે ઉધના ત્રણ રસ્તા પર આવેલી હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે 1 વર્ષ નોકરી કરી ચૂક્યો છે.
- 32 વર્ષીય આરતીદેવી રામકૃપાલ મોર્યા નવાગામ ડિંડોલી સ્થિત રામદેવ નગર ખાતે આશી ક્લિનિક ચલાવતી હતી. તે છેલ્લા દોઢ વર્ષથી ક્લિનિક ચલાવે છે અને BA નો અભ્યાસ કર્યો છે. રોજના 2 હજારથી 2500 રૂપિયા કમાય છે, તેમજ અગાઉ ગોડાદરા ખાતે એક હોસ્પિટલમાં નર્સ તરીકે 5 વર્ષ નોકરી કરી ચુકી છે.
- 50 વર્ષીય મહેશભાઈ વિઠ્ઠલભાઈ રાજપૂત નવાગામ અંબિકા નગર ખાતે માયા ક્લિનિક ચલાવતો હતો. તે ધોરણ 12 પાસ છે અને 8 વર્ષથી કલીનીક ચલાવે છે. તે રોજના 1 હજારથી 1500 રૂપિયા કમાય છે અને મહારાષ્ટ્રમાં 2 વર્ષ કમ્પાઉન્ડર તરીકે પ્રેક્ટિસ કરી છે.
- 50 વર્ષીય કમલાપ્રસાદ લોદી ગોંડ નવાગામમાં ક્રિષ્ના ક્લિનિક 10 વર્ષથી ચલાવે છે. તેણે ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે, અને રોજના 2500 થી 3500 રૂપિયા કમાય છે, આ ઉપરાંત તે ઉત્તરપ્રદેશના આજમગઢ જિલ્લામાં હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે પ્રેક્ટિસ કરી છે.
- 53 વર્ષીય સોપાન પ્રભુભાઈ પાટીલ નવાગામમાં શ્રી સાંઈ ક્લિનિક 7 વર્ષથી ચલાવે છે અને ઈલેક્ટ્રોપેથીનો અભ્યાસ કર્યો છે અને રોજના 1 હજાર કમાય છે. તેણે હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે પ્રેક્ટિસ કરી છે.
- 27 વર્ષીય મનોહરલાલ જવાનલાલ કુમાવત નવાગામમાં શ્રી રાધેકૃષ્ણા ક્લિનિક 6 મહિનાથી ચલાવે છે અને રોજના 2500 થી 3500 રૂપિયા કમાય છે. તેણે બી.ફાર્મનો અભ્યાસ રાજસ્થાન ખાતે કરેલો છે.
- 46 વર્ષીય દિનેશ બાબુરામ ભારતી નવાગામમાં સહગર ક્લિનિક છેલ્લા 3 વર્ષથી ચલાવે છે અને ધોરણ 12 પાસ અભ્યાસ કર્યો છે. તે રોજના 2500 રૂપિયા કમાય છે અને તે પંજાબમાં ક્લિનીકમાં અગાઉ કામ કરતો હતો.
- 43 વર્ષીય કિશોર ક્રિષ્ના વિશ્વાસ નવાગામમાં સદગુરુ સંત ક્રિપાલ ક્લિનિક છેલ્લા 6 વર્ષથી ચલાવે છે અને ધોરણ 12 પાસ અભ્યાસ કર્યો છે. તે રોજના 1 હજારથી 2500 રૂપિયા કમાય છે. તેણે વેસ્ટ બંગાળ કોલકાતા દતકુલિયા ખાતે આવેલી હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે 4 વર્ષ નોકરી કરી છે.
આ પણ વાંચો
વધુમાં, પોલીસે તમામ જગ્યાએ રેડ કરી અલગ અલગ પ્રકારની એલોપેથી દવાઓ, ઇન્જેક્શન, સીરપ અને મેડિકલ સાધનો મળી કુલ 95,138 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો અને ડીંડોલી પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયતની ટીમ દ્વારા બોગસ ડોક્ટર ઉપર ક્લિનિકલ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ હેઠળ અલાયદી કાર્યવાહી કરવામાં આવનાર છે.
