Surat News: પલસાણા તાલુકાના બારાસડી ગામે નિર્માણાધીન સ્વામિનારાયણ મંદિરની સાઈટ પર એક યુવક પહેલા માળેથી નીચે પટકાયો હતો. ગ્રાઉન્ડ ફ્લોર પર ઊભા કરાયેલા બીમ-કોલમના સાડા ત્રણ ફૂટના ખુલ્લા સળિયા તેની આંખ, હાથ અને ખોપરીની આરપાર નીકળી ગયા હતા. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા યુવાનનું ચાર દિવસ સુધી મોત સામે ઝઝૂમ્યા બાદ બુધવારે બપોરે નિધન થયું છે.
મળતી માહિતી મુજબ, પંચમહાલનો વતની કિરણ ડામોર ગત રવિવારે પલસાણા તાલુકાના બારાસડી ગામે નિર્માણાધીન સ્વામિનારાયણ મંદિરની કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરતા પોતાના મોટા ભાઈને મળવા ગયો હતો. આ દરમિયાન તે પહેલા માળેથી નીચે પટકાયો હતો. નીચે પડતી વખતે ગ્રાઉન્ડ ફ્લોર પર બીમ અને કોલમ માટે ઊભા કરવામાં આવેલા આશરે સાડા ત્રણ ફૂટ લાંબા ખુલ્લા લોખંડના સળિયા તેના શરીરમાં ઘૂસી ગયા હતા. સળિયા આંખ, હાથ અને ખોપરીથી આરપાર નીકળી જતાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
અકસ્માત બાદ કિરણને પ્રાથમિક સારવાર આપી ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. અહીં ન્યુરોસર્જરી, ઓફથાલ્મોલોજી અને ઓર્થોપેડિક વિભાગના નિષ્ણાત તબીબો સારવારમાં જોડાયા હતા. કેસ અત્યંત દુર્લભ અને જોખમી હોવાથી વિવિધ વિભાગના આશરે 10 નિષ્ણાત તબીબોની ટીમ તૈયાર કરવામાં આવી હતી.
તબીબોએ લગભગ ત્રણથી ચાર કલાક સુધી જટીલ સર્જરી કરીને કિરણનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. સર્જરી બાદ પણ તેની સ્થિતિ ગંભીર રહેતાતેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. હોસ્પિટલના તબીબો દ્વારા કિરણને બચાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવ્યા હતા. જોકે, ગંભીર ઈજાઓ અને જોખમી સ્થિતિ સામે તે જંગ જીતી શક્યો નહોતો.
બુધવારે બપોરે નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ ઘટનાથી પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થયા. સતત ચાર દિવસ સુધી મોત સામે ઝઝૂમ્યા બાદ કિરણે અંતિમ શ્વાસ લીધા હોવાના સમાચાર સાંભળી તબીબો પણ નિરાશ થયા હતા. મૂળ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાનો 18 વર્ષીય કિરણ ડામોર દિવાળીના તહેવાર માટે કપડાંની ખરીદી કરવા તેમજ કામકાજ અર્થે પલસાણા ખાતે રહેતા પોતાના મોટા ભાઈ પાસે આવ્યો હતો.
મૃતકનો પરિવાર ત્રણ ભાઈ અને બે બહેનોનો છે. કિરણ ધોરણ 11માં અભ્યાસ કરતો હતો, પરંતુ અભ્યાસ છોડ્યા બાદ તે ગામડે કરિયાણાની દુકાને કામ કરતો હતો. રવિવારે બપોરે પલસાણા તાલુકાના બારાસડી ગામે નિર્માણાધીન સ્વામિનારાયણ મંદિરના સંસ્કારધામ ખાતે તેનો ભાઈ કામ કરી રહ્યો હતો. આ દરમિયાન કિરણ તેને પીવાનું પાણી આપવા માટે સાઈટના પહેલા માળે ગયો. જ્યાં અચાનક પગ લપસી જતાં તે નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર પટકાયો હતો.
