SMC Food Department: સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં આઈસ્ક્રીમનું ઉત્પાદન અને વેચાણ કરતી સંસ્થાઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે. ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરોએ શુક્રવારે સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા આઈસ્ક્રીમ પાર્લરોની મુલાકાત દૂધમાંથી બનતા આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો તફાવત સ્પષ્ટ થાય તે માટે પાર્લરોમાં માહિતી દર્શાવતા બોર્ડ લગાવવાનું જણાવાયું હતું.
સુરત મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલી તપાસમાં શહેરના વિવિધ ઝોનની કુલ 106 સંસ્થાઓની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં 58 સંસ્થાઓએ તપાસ બાદ બોર્ડ બેનર લગાવી દીધા હોવાનું સામે આવ્યું હતું. જયારે બાકીની 48 સંસ્થાઓને બોર્ડ બનાવી લગાવી દેવા સૂચના આપવામાં આવી હતી
ઝોન પ્રમાણે સ્થિતિ પર નજર કરીએ તો કતારગામ ઝોનમાં તપાસ કરાયેલા 15 સ્થળોમાંથી 10 સ્થળોએ બોર્ડ લગાવવામાં આવ્યા નથી. વરાછા એ.બી. ઝોનમાં 16માંથી 10 સ્થળોએ, સાઉથ ઝોનમાં 17માંથી 8 સ્થળોએ અને અઠવા ઝોનમાં 19માંથી 8 સ્થળોએ બોર્ડ લગાવવાના બાકી છે.
અન્ય ઝોનની વાત કરીએ તો સેન્ટ્રલ ઝોનમાં 4, ઉધના એ ઝોનમાં 3 અને લિંબાયત ઝોનમાં 5 સ્થળોએ હજુ બોર્ડ લગાવવામાં આવ્યા નથી. જોકે, ઉધના બી ઝોનમાં તમામ સંબંધિત સ્થળોએ સૂચના મુજબ બોર્ડ લગાવી દેવામાં આવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા તપાસ કરાયેલી કુલ 106 સંસ્થાઓમાંથી 48 સ્થળોએ હજુ બોર્ડ લગાવવાના બાકી હોવાથી આગામી દિવસોમાં આ સંસ્થાઓમાં પણ બોર્ડ લગાવવામાં આવે તે માટેની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. ગ્રાહકોને આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો તફાવત સરળતાથી સમજાય અને યોગ્ય માહિતી મળી રહે તે હેતુથી પાલિકા દ્વારા આ સૂચના આપવામાં આવી છે.
