Surat Shyam Sangini Market fire: સુરતના સારોલી વિસ્તારમાં આવેલી શ્યામ સંગીની માર્કેટમાં આગ અંગે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. ત્યારે હવે ક્રાઈમ બ્રાન્ચ પણ આ મામલે તપાસમાં જોડાઈ છે. પોલીસે આ મામલે 20 જેટલા વેપારીઓની પૂછપરછ કરી છે, તેમજ ઈન્શ્યોરન્સ પકાવવા માટેના એંગલથી તપાસ કરી રહી છે.
ટેક્સટાઈલ માર્કેટમાં છઠા માળે આગ લાગી હતી
પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના સારોલી વિસ્તારમાં આવેલી શ્યામ સંગીની ટેક્સટાઈલ માર્કેટમાં છઠા માળે આગ લાગી હતી, આગ પ્રસરી જતા 17 જેટલી દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હતી. ઘટનાને પગલે ફાયર વિભાગને મેજર કોલ જાહેર કરવો પડ્યો હતો, આગ 36 કલાક બાદ કાબૂમાં આવી હતી.
પોલીસ તપાસમાં થયો ચોંકાવનારો ઘટસ્ફોટ
આગના પગલે બિલ્ડીંગના સ્ટ્રક્ચર વાયરીંગ સહિત મોટું નુકશાન થયું હતું. આ મામલે કરાયેલી પોલીસ તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે, આગ આકસ્મિક નહીં પરંતુ ઈરાદાપૂર્વક લગાડવાાં આવી હતી. સીસીટીવી ફૂટેજમાં એક શખ્સ આગ લગાડી ફરાર થતો દેખાયો હતો. આ મામલે પોલીસે તપાસ શરુ કરી છે.
ક્રાઈમ બ્રાન્ચની ટીમો તપાસમાં જોડાઈ
આ ઘટનામાં સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમો પણ હવે તપાસમાં જોડાઈ છે. વેપારીઓને આગથી કરોડોનું નુકસાન થયું છે. તેઓના વિગતવાર નિવેદન નોંધીને કોઈએ વેરભાવનાથી આ કૃત્ય આચર્યું હોય કે કેમ તે દિશામાં પોલીસ તપાસ ચાલી રહી છે, ઈન્શ્યોરન્સ એન્ગલથી પણ પોલીસ તપાસ કરી રહી છે.
આગ લગાડનાર શખ્સ કડોદરા જતો જોવા મળ્યો
પોલીસની તપાસમાં આગ લગાડનાર શખ્સ કડોદરા તરફ જતો જોવા મળ્યો હતો. પોલીસ દ્વારા હાલ સીસીટીવી ફૂટેજનું માઇક્રો એનાલિસિસ કરાઈ રહ્યું છે. આ ઉપરાંત પોલીસે ફાયર, આર એન્ડ બી, સુડા, વીજ કંપની, લિફ્ટ એલિવેટર, ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરનો પણ અભિપ્રાય માંગ્યો હતો.
