Surat Cleanest City: સ્વચ્છતાના મામલે ગુજરાતની ડાયમંડ સિટી સુરતે ફરી એક વાર સમગ્ર દેશમાં ડંકો વગાડ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા વાર્ષિક સ્વચ્છતા સર્વેક્ષણ 2025-26ના પરિણામોમાં સુરત શહેર દેશનું બીજું સૌથી સ્વચ્છ શહેર જાહેર થયું છે. આ યાદીમાં નવી મુંબઈએ પ્રથમ સ્થાન હાંસિલ કર્યુ છે. જ્યારે વિજયવાડા ત્રીજા ક્રમે રહ્યું છે. સૌથી ચૌંકાવનારી બાબત એ છે કે, સતત 8 વર્ષ સુધી દેશનું સૌથી સ્વચ્છ શહેર રહેલું મધ્યપ્રદેશનું ઈન્દોર આ વખતે ટોચના સ્થાનોમાંથી બહાર ફેકાઈ ગયું છે.
સુરતની ઐતિહાસિક સિદ્ધિ અને રાષ્ટ્રપતિના હસ્તે સન્માન
બુધવારે આયોજિત ભવ્ય સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના વરદ હસ્તે વિજેતા શહેરોને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. સુરતે પોતાની અવિરત સ્વચ્છતા જાળવી રાખીને દેશભરમાં બીજો ક્રમાંક હાંસિલ કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. વસ્તીના આધારે અલગ અલગ શ્રેણીઓ ઉપરાંત દરિયાકાંઠા, નદી કિનારા અને હિમાલયના શહેરો માટે પણ એક વિશેષ કેટેગરીમાં પરિણામો જાહેર કરાયા હતા.
વાર્ષિક સ્વચ્છતા સર્વેક્ષણમાં ગુજરાતનો દબદબો
સુરતની સાથે સાથે ગુજરાતના અન્ય શહેરોએ પણ સ્વચ્છતાના મામલે શાનદાર પ્રદર્શન કર્યું છે. દેશમાં સ્વચ્છ શહેરની જોડી કેટેગરીમાં અમદાવાદ અને સાણંદ શહેરને પ્રથમ પુરસ્કાર મળ્યો છે. જ્યારે રાજ્યના અન્ય મહત્વના ગણાંતા અને સંસ્કાર નગરી તરીકે પ્રખ્યાત વડોદરાએ પણ પોતાનું સ્થાન જાળવી રાખીને 7મું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
ઇન્દોર ટોપર્સમાંથી બહાર ગયું
છેલ્લા 8 વર્ષથી સ્વચ્છતામાં પ્રથમ નંબરે રહેતું ઇન્દોર આ વખતે ટોચના શહેરોમાં સ્થાન મેળવી શક્યું નથી. જોકે, તેમ છતાં મધ્યપ્રદેશનો દબદબો યથાવત રહ્યો છે. અલગ-અલગ શ્રેણીઓમાં પસંદ કરાયેલા કુલ 63 શહેરોમાંથી 9 શહેરો મધ્યપ્રદેશના છે.
