સુરતમાં નવી ‘WA’ સિરીઝના VIP નંબરોની બોલબાલા: BMW માટે ‘0999’ નંબર રૂ.10.32 લાખમાં વેચાયો, RTOને 76 લાખની આવક

સુરત RTOની નવી 'WA' સિરીઝના પસંદગીના નંબરોની ઓનલાઈન હરાજીમાં વાહનમાલિકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો, જેમાં RTOને ₹76 લાખની આવક થઈ. 'GJ05WA 0999' નંબર BMW કાર માટે ₹10.32 લાખમાં વેચાયો, જે સૌથી મોંઘો નંબર સાબિત થયો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 20 Nov 2026 11:57 AM (IST)Updated: Fri, 20 Nov 2026 11:57 AM (IST)
surat-rto-vip-number-auction-wa-series-0999-sold-for-10-lakh-32-thousand-bmw-car

Surat News: સુરત RTOમાં ફોર-વ્હીલર વાહનો માટે શરૂ કરવામાં આવેલી નવી ‘WA’ રજિસ્ટ્રેશન સિરીઝના પસંદગીના નંબરોની ઓનલાઈન હરાજીમાં વાહનમાલિકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મનપસંદ અને ફેન્સી નંબર મેળવવા માટે વાહનચાલકો વચ્ચે જોરદાર સ્પર્ધા જામી હતી. આ હરાજીમાં કુલ 434 વાહનમાલિકોએ પોતાની પસંદગીના નંબરો મેળવ્યા હતા. તેના થકી સુરત RTOને અંદાજે રૂ.76 લાખની આવક થઈ હોવાનું સામે આવ્યું છે.

વાહન માલિકે 10 લાખથી વધુની બોલી લગાવી

આ હરાજીમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર ‘GJ05WA 0999’ નંબર રહ્યો હતો. BMW કાર માટે પસંદ કરવામાં આવેલા આ નંબરને મેળવવા એક વાહનમાલિકે રૂ.10,32,000ની ઊંચી બોલી લગાવી હતી. આમ, નવી WA સિરીઝનો આ સૌથી મોંઘો નંબર સાબિત થયો હતો. ખાસ કરીને ‘0999’ નંબર માટે હરાજીના અંતિમ તબક્કા સુધી ભારે સ્પર્ધા જોવા મળી હતી. લકી નંબર, અંકશાસ્ત્ર અને પોતાની લક્ઝરી કારને અલગ ઓળખ આપવાની ઇચ્છા ધરાવતા વાહનમાલિકોએ આ નંબર માટે ઊંચી બોલીઓ લગાવી હતી. અંતે રૂ.10.32 લાખની બોલી સાથે BMW કારના માલિકે આ નંબર પોતાના નામે કર્યો હતો.

છ લાખથી વધુની કિંમતે વેચાયો નંબર

આ હરાજીમાં બીજા ક્રમે ‘GJ05WA 1111’ નંબર રહ્યો હતો, જેના માટે રૂ.6,59,000ની બોલી લાગી હતી. જ્યારે ત્રીજા ક્રમે ‘GJ05WA 0001’ નંબર રૂ.5,12,000માં વેચાયો હતો. આ ઉપરાંત ‘GJ05WA 7777’ માટે રૂ.2,19,000, ‘GJ05WA 0007’ માટે રૂ.2,11,000 અને ‘GJ05 WA 0009’ માટે રૂ.1,51,000ની બોલી નોંધાઈ હતી. ‘GJ05 WA 0123’ નંબર માટે પણ હરાજીમાં બોલી લગાવવામાં આવી હતી.

સુરત RTOને 76 લાખની આવક થઈ

આંકડાઓ પર નજર કરીએ તો નવી WA સિરીઝના ટોપ-10 સૌથી મોંઘા નંબરોની હરાજીમાંથી જ RTOને કુલ રૂ.32.21 લાખની આવક થઈ છે. એટલે કે, પસંદગીના ટોચના 10 નંબરોમાંથી જ કુલ રૂ.76 લાખની આવકના આશરે 42.38 ટકા જેટલી રકમ સરકારી તિજોરીમાં જમા થઈ છે.

નવી સિરીઝ શરૂ થતાં જ ફેન્સી અને VIP નંબરો માટે વાહનમાલિકોએ લાખો રૂપિયાની બોલી લગાવીને ખાસ નંબર મેળવવામાં રસ દાખવ્યો છે. આ હરાજીના પરિણામો પરથી સ્પષ્ટ થાય છે કે સુરતમાં મોંઘી અને લક્ઝરી કારની સાથે હવે પોતાની પસંદગીનો આકર્ષક નંબર મેળવવાનો ક્રેઝ પણ સતત વધી રહ્યો છે.

 પસંદગીના નંબર અને તેની બોલી

ક્રમ

નંબર

બોલીની રકમ

1

0999

₹10.32 લાખ

2

1111

₹6.59 લાખ

3

0001

₹5.12 લાખ

4

7777

₹2.19 લાખ

5

0007

₹2.11 લાખ

6

0009

₹1.51 લાખ

7

0123

₹1.31 લાખ

8

0005

₹1.10 લાખ

9

9999

₹1.01 લાખ

10

0111

₹95 હજાર