મયુર ઠક્કર, સુરત: સુરત જિલ્લામાં રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ ખાનગી પ્રાથમિક શાળાઓના ધોરણ-1માં પ્રવેશ મેળવવાની ઉત્સુકતા ધરાવતા અને હજુ સુધી પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. જિલ્લામાં પ્રથમ અને દ્વિતીય તબક્કાની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ હજારોની સંખ્યામાં બેઠકો ખાલી રહેતા શિક્ષણ વિભાગ દ્વારા ત્રીજો રાઉન્ડ શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં થઈને હાલમાં કુલ 3,280 જેટલી બેઠકો ખાલી પડી છે, જેને ભરવા માટે વિભાગે કમર કસી છે.
પ્રથમ રાઉન્ડમાં 10,606 બાળકોને બેઠક ફાળવણી
મળતી માહિતી મુજબ, સુરત શહેરી વિસ્તારમાં RTE હેઠળ 27,180 જેટલી અરજીઓ માન્ય રાખવામાં આવી હતી. જે પૈકી પ્રથમ રાઉન્ડમાં 10,606 બાળકોને વિવિધ શાળાઓમાં બેઠકોની ફાળવણી કરાઈ હતી, જેમાંથી 10,226 વિદ્યાર્થીઓએ પોતાનો પ્રવેશ નિયમાનુસાર પાકો કરાવ્યો હતો. ત્યારબાદ હાથ ધરાયેલા બીજા રાઉન્ડમાં 650 વિદ્યાર્થીઓને પ્રવેશની તક અપાઈ હતી. પરંતુ તેમાંથી માત્ર 491 વિદ્યાર્થીઓએ જ પ્રવેશ પ્રક્રિયા આખરી કરી હતી. આ સ્થિતિના કારણે સુરત શહેરમાં હજુ પણ 2,567 જેટલી બેઠકો પર કોઈ ઉમેદવાર નોંધાયા નથી.
ગ્રામ્ય પંથકમાં 713 બેઠકો ખાલી
આવી જ કંઈક સ્થિતિ સુરતના ગ્રામીણ વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. સુરત ગ્રામ્યમાં કુલ 6,290 લાયક અરજીઓ મંજૂર થઈ હતી. જે અંતર્ગત પ્રથમ તબક્કામાં 2,868 બાળકોને પ્રવેશની ફાળવણી કરાતા 2,680 વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો હતો. જ્યારે બીજા તબક્કામાં 279 વિદ્યાર્થીઓને સ્થાન ફાળવાયું હતું. જેમાંથી માત્ર 195 વિદ્યાર્થીઓએ જ એડમિશન મેળવ્યું હતું. પરિણામે ગ્રામ્ય પંથકની શાળાઓમાં હજુ પણ 713 બેઠકો ખાલી રહેવા પામી છે.
ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ ફાળવાશે
પ્રથમ અને બીજા રાઉન્ડમાં પ્રવેશ ન મેળવી શકેલા માન્ય અરજદારોને ત્રીજા રાઉન્ડમાં ફરી તક આપવામાં આવશે. ખાલી બેઠકો ધરાવતી શાળાઓમાં નવી પસંદગીના આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવશે. અરજદારો 6 થી 8 જૂન સુધી ઓનલાઈન અરજીમાં માત્ર શાળાની પસંદગીમાં ફેરફાર કરી શકશે. ત્યારબાદ ઉપલબ્ધ ખાલી બેઠકોના આધારે ત્રીજા રાઉન્ડની ફાળવણી કરવામાં આવશે.
