Surat Rath Yatra 2026: આજે અષાઢી બીજ છે, ત્યારે સુરતમાં જહાંગીરપુરા ઇસ્કોન મંદિર દ્વારા સ્ટેશનથી, વરાછા ઇસ્કોન મંદિર તેમજ અમરોલી લંકા વિજય હનુમાન મંદિર દ્વારા રથયાત્રાનો પ્રારંભ થઈ ગયો છે. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો રથયાત્રામાં જોડાયા છે અને રથયાત્રા દરમિયાન આખો માર્ગ 'જય જગન્નાથ' સાથે ગુંજી ઉઠ્યો છે.
આજે અષાઢી બીજ છે, ત્યારે સુરત શહેરમાં 8 અલગ અલગ જગ્યાએથી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જહાંગીરપુરા ઇસ્કોન મંદિર દ્વારા સુરત રેલ્વે સ્ટેશનથી રથયાત્રાનો પ્રારંભ થઇ ચુક્યો છે. આ રથયાત્રા સુરત સ્ટેશનથી શરુ થઈને રીંગરોડ થઈને જહાંગીરપુરા પહોચશે. તો બીજી તરફ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ રથયાત્રામાં જોડાયા છે.
બીજી તરફ પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રથયાત્રાના રૂટ પર ભગવાનના રથનું દોરડું ખેંચવા માટે પણ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ઉપરાંત વિવિધ ઝાંખીઓ રથયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. વરાછા ઇસ્કોન મંદિર દ્વારા પણ રથયાત્રાનો પ્રારંભ થઇ ચુક્યો છે તેમજ અમરોલી લંકાવિજય હનુમાન મંદિર દ્વારા પણ રથયાત્રા શરુ થઈ ગયી છે. ભક્તો ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. રથયાત્રા દરમિયાન આખો માર્ગ 'જય જગન્નાથ ના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યો હતો.
સુરત રેલવે સ્ટેશનથી જગન્નાથજી, બળદેવ અને સુભદ્રાજી રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળ્યા
સુરત રેલવે સ્ટેશનથી પ્રારંભ થયેલી રથયાત્રામાં ‘જય જગન્નાથ’ અને ‘હરેક્રિષ્ના’ ના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. હજારો ભક્તોની ઉપસ્થિતિમાં મહાઆરતી બાદ સોનાની સાવરણીથી રથ સાફ કરવાની પહિંદ વિધિ બાદ હર્ષોલ્લાસ અને જય જગન્નાથના જયઘોષ સાથે
આ રથયાત્રામાં ભગવાન જગન્નાથજી સ્વયં ભક્તોને દર્શન આપવા નગરમાં પધાર્યા હતા. ભક્તોએ દોરડા વડે ભગવાનનો રથ ખેંચીને ધન્યતા અનુભવી હતી. યાત્રાના માર્ગમાં ઠેર-ઠેર વિવિધ સંસ્થાઓ અને વેપારી મંડળો દ્વારા ભગવાનનું ભવ્ય સ્વાગત કરી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. રથયાત્રામાં ભક્તિ સાથે ભારતીય સંસ્કૃતિની ઝાંખી પણ જોવા મળી હતી.
ભગવાન જગન્નાથ, બળદેવ અને સુભદ્રાજીના રથની સાથે વિવિધ ભજન મંડળીઓ, ધૂન મંડળો અને પરંપરાગત વેશભૂષામાં સજ્જ બાળકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ઇસ્કોન મંદિર દ્વારા રથયાત્રાના સમગ્ર રૂટ પર લાખો ભક્તો માટે વિશેષ મહાપ્રસાદની બુંદી અને ખીચડીની વ્યવસ્થા કરવામાં આવી હતી. ખાસ કરીને વિદેશી સાથે હરિભક્તો મૃદંગ અને મંજીરાના તાલે ઝૂમી ઉઠ્યા હતા.
